સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકોટ કોંગ્રેસ શહેર-જિલ્લામાં નવા હોદ્દેદારોની નિમણૂક…

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા સંગઠનનું નવું અને વિસ્તૃત માળખું જાહેર કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખની સૂચનાથી જાહેર કરાયેલા આ ‘જમ્બો માળખા’માં તમામ જ્ઞાતિ-સમીકરણોને સાચવવાનો પ્રયાસ કરાયો છે. વર્ષો પછી શહેર પ્રમુખ બદલાયા બાદ પ્રથમ વખત આ પ્રકારે નવા હોદ્દેદારોનીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા જાહેર કરાયેલા માળખામાં 9 ઉપપ્રમુખ, 21 મહામંત્રી અને 35 મંત્રીઓની નિમણૂક કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે નીતિન ભંડેરી, હાજી ઓડિયા અને ડો. યજ્ઞેશ જોશી સહિતના પાયાના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યારે મહામંત્રી અને મંત્રી પદે પણ વિવિધ સમાજના પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવી હતી. આ નવી ટીમ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ સ્તરે પક્ષની પકડ મજબૂત કરવા માટે રણનીતિ ઘડવામાં આવશે.
જિલ્લા કોંગ્રેસના માળખામાં પણ 10 ઉપપ્રમુખ, 10 મહામંત્રી અને 5 મંત્રીઓ ઉપરાંત ચાર સંગઠન મંત્રી અને ત્રણ કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. ગ્રામ્ય સ્તરે સંગઠનને વેગ આપવા માટે આ નિમણૂકો મહત્વની માનવામાં આવી હતી. લાંબા વિરામ બાદ શહેર અને જિલ્લા કોંગ્રેસ એકસાથે એક્શન મોડમાં જોવા મળી રહી છે, જેનાથી કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.



