સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને ઝીરો બેઠક આવશે! પૂર્વ કોર્પોરેટરના ગંભીર આક્ષેપથી રાજકોટ કોંગ્રેસમાં ભડકો

રાજકોટ: ગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં જાહેર થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તેવા ટાણે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો હોવાની ઘટના ફરીથી સપાટી પર આવી છે.
રાજકોટ મનપાના પૂર્વ કોર્પોરેટર અને મહિલા કોંગ્રેસ કોર્પોરેટરના પતિ પ્રવીણ સોરાણીએ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠાવતા રાજકીય ગરમાવો આવી ગયો છે.
સોરાણીએ આક્ષેપ કર્યો છે કે, શહેર કોંગ્રેસના કાર્યાલયથી તેમને હડધૂત કરીને કાઢવામાં આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે જો શહેર પ્રમુખ નવું કાર્યાલય બનાવી શકતા ન હોય તો તેમણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. સોરાણીએ ચેતવણી આપતા કહ્યું કે, જો સ્થિતિ આવી જ રહી તો આગામી સમયમાં કોંગ્રેસને શૂન્ય બેઠકો આવશે.
પ્રવીણ સોરાણીએ ઈન્દ્રનીલ રાજગુરુની માલિકીના કાર્યાલય મુદ્દે પણ પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જ્યારે અતુલ રાજાણી પ્રમુખ હતા ત્યારે પણ કાર્યાલય બદલવાની માંગ કરવામાં આવી હતી.
સોરાણીએ સ્પષ્ટ કર્યું કે, “અમે કોઈ વ્યક્તિના માણસ નથી, પરંતુ કોંગ્રેસના સૈનિક છીએ.” તેમણે પોતાની નિષ્ઠા જાહેર કરતા એમ પણ ઉમેર્યું કે તેઓ આગામી ચૂંટણી કોંગ્રેસમાંથી જ લડશે, પરંતુ જો પાર્ટી તેમને ટિકિટ નહીં આપે તો તેઓ ભવિષ્ય અંગે વિચાર કરશે. આ આક્ષેપોને કારણે સ્થાનિક રાજકારણમાં ભડકો થયો છે.
બીજી તરફ, પૂર્વ કોર્પોરેટરના આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રવીણ સોરાણી ભાજપના મિત્રો સાથે ઉઠતા-બેસતા હોય તેવું લાગી રહ્યું છે અને તેઓ માત્ર પાયાવિહોણી વાતો કરી રહ્યા છે.
આપણ વાચો: તેલંગાણામાં હવે બે બાળક ધરાવતા લોકો પણ લડી શકશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, વિધાનસભામાં બીલ પસાર…
જાડેજાએ સ્પષ્ટતા કરી કે, જે કાર્યાલય વિશે વાત કરવામાં આવે છે તે કોઈ વ્યક્તિગત માલિકીનું નથી પણ કોંગ્રેસ પાર્ટીનું છે. તેમણે સોરાણીને પડકાર ફેંક્યો કે જો તેમને પાર્ટીની આટલી જ ચિંતા હોય તો નવા કાર્યાલય માટે ફાળો આપવાની શરૂઆત કરે.
શહેર પ્રમુખે શિસ્તના ભંગ મુદ્દે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના કાર્યક્રમોમાં પ્રવીણ સોરાણીને હંમેશા આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમ છતાં તેઓ પક્ષને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે.
પાર્ટીનું શિસ્ત ભંગ કરનાર અને પક્ષની છબી ખરડનાર કોઈ પણ વ્યક્તિને ચલાવી લેવામાં આવશે નહીં અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં બંને પક્ષો વચ્ચેની આ નિવેદનબાજીએ રાજકોટ કોંગ્રેસના આંતરિક જૂથવાદને સપાટી પર લાવી દીધો છે.



