Rajkot કોર્પોરેશન અને રૂડાના 565 કરોડના વિકાસ કાર્યોનું સીએમના હસ્તે લોકાર્પણ- ખાતમુહૂર્ત

રાજકોટ: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજકોટ મહાનગર( Rajkot)પાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળના કુલ 565 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમની હાજરીમાં કુલ 183 આવાસો લાભાર્થીઓને ફાળવવા માટેનો કોમ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાનના હસ્તે નવી 25 ઇલેક્ટ્રીક સિટીબસોને કટારીયા ચોકડી ખાતેથી લીલીઝંડી આપવામાં આવી હતી.
નવનિર્મિત ઈન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખુલ્લું મુકવામાં આવ્યું
રાજકોટમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે બુધવારે મહાનગર પાલિકાના 58.54 કરોડના 4 પ્રકલ્પોનું લોકાર્પણ તથા 332.26 કરોડના જુદા જુદા 35 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ આવાસો પૈકી ખાલી પડેલા કુલ 183 આવાસોનો કોમ્યુટરાઈઝડ ડ્રો તેમની હાજરીમાં કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી 174.83 કરોડના 6 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન દ્વારા મવડીમાં નવનિર્મિત ઈન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
સુખાકારીમાં વધારો
મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજકોટનાં લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે આજે મનપા અને રૂડાનાં કુલ 565 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.અગાઉ કોર્પોરેશનમાં કામ કરાવવું મુશ્કેલ હતું. હાલ વિકાસની રાજનીતિ હોવાથી કોઈપણ અધિકારી અને પદાધિકારીઓને સરળતાથી કામ કરી શકાય છે. અગાઉ એકાદ લાખના વિકાસ કામો કરવામાં મુશ્કેલી પડતી હતી, આજે કરોડોના વિકાસ કામો સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યા છે.
શહેરો આર્થિક વિકાસના કેન્દ્રો
તેમણે ઉમેર્યું હતું કે, હાલ શહેરો આર્થિક વિકાસના કેન્દ્રો બની રહ્યા છે અને 2047ને ધ્યાનમાં રાખીને વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. રાજકોટનું એક ઝોન તરીકે ખાસ ડેવલોપમેન્ટ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે રૂ. 5000 કરોડની વ્યવસ્થા કરવામાં આવી છે. વરસાદી પાણીના બચાવમાં લોકો જોડાય તે માટે પ્રયાસો કરાઈ રહ્યા છે.