“રાજકોટ સિવિલમાં દવા નહીં, દારૂની મહેફિલ!” ખખડધજ એમ્બ્યુલન્સ બની દારૂનો ‘અડ્ડો’

રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રની આરોગ્યની જીવાદોરી સમાન સરકારી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર મોટા વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી એકસાથે મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો, ગ્લાસ અને સિગારેટ મળી આવતાં દારૂબંધીના લીરેલીરા ઊડી ગયા હતા.
આ ઘટનાએ હોસ્પિટલ પરિસરમાં રાત્રિના સમયે દારૂની મહેફિલો જામતી હોવાની ગંભીર આશંકા ઊભી કરી છે, જેના કારણે સિક્યોરિટીની વ્યવસ્થા અને રાજ્યમાં દારૂબંધીના કાયદાના પાલન પર ગંભીર સવાલો ઉભા થયા છે.
પ્રાથમિક માહિતી મુજબ, સિવિલ હોસ્પિટલના જૂની બિલ્ડિંગના કમ્પાઉન્ડમાંથી ત્રણ દારૂની બોટલો મળી આવી હતી. જોકે, સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરાયેલી એક ખખડધજ ૧૦૮ એમ્બ્યુલન્સમાંથી ૬ વધુ ખાલી દારૂની બોટલો મળી હતી. આ એમ્બ્યુલન્સમાંથી દારૂના ગ્લાસ અને સિગારેટ પણ મળી આવ્યાં હતાં.

આમ, સિવિલ હોસ્પિટલના અલગ-અલગ સ્થળોએથી કુલ ૯ ખાલી દારૂની બોટલો મળી આવતાં આશંકા સેવાઈ રહી છે કે દારૂની પાર્ટી માણનારા લોકો હોસ્પિટલની બિનઉપયોગી એમ્બ્યુલન્સને જ ‘ડ્રિન્ક સ્ટોરેજ’ અને મહેફિલના સ્થળ તરીકે ઉપયોગ કરી રહ્યા હતા. આ ઘટના પર સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ એકાઉન્ટ ઓફિસર અને મેડિકલ ઓફિસર ડૉ. એમ.એસ. રોયએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
આ સમગ્ર મામલે ડૉ. એમ.એસ. રોયએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, “મને આ બાબતની જાણકારી મળી છે અને આ એક ગંભીર તપાસનો વિષય છે. આ દારૂની બોટલો ક્યાંથી મળી, કેવી રીતે હોસ્પિટલની અંદર આવી, અને કોણ લાવ્યું – આ તમામ પાસાંઓની તપાસ થશે.” તેમણે ઉમેર્યું હતું કે, હોસ્પિટલમાં દરરોજ લગભગ ૪,૦૦૦ જેટલા દર્દીઓ અને તેમના સગાં આવતા હોય છે, જેના કારણે ઘણી ભીડ થતી હોય છે.
આ સંકુલમાં આ પ્રકારની પ્રવૃત્તિ થવી એ ગેરવ્યાજબી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા કડક ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે તપાસમાં જે પણ વ્યક્તિ જવાબદાર જણાશે, તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તેની તકેદારી રાખવામાં આવશે.
જોકે, આ ઘટનાથી હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઊભા થયા છે. સિવિલ હોસ્પિટલ સિક્યોરિટી પાછળ દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, તેમ છતાં સિક્યોરિટી ગાર્ડની હાજરીમાં જ દારૂડિયાઓ તકનો લાભ લઈ રહ્યા છે. અગાઉ પણ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરના ક્વાર્ટર પાસેથી દારૂની બોટલો મળી આવી હતી. આ ઘટના એ પણ દર્શાવે છે કે રાજકોટમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ છે.


