રાજકોટવાસીએ હેલ્મેટ કાઢી રાખજો, આ તારીખથી શરૂ થશે મેગા ડ્રાઈવ...

રાજકોટવાસીએ હેલ્મેટ કાઢી રાખજો, આ તારીખથી શરૂ થશે મેગા ડ્રાઈવ…

રાજકોટઃ શહેરમાં ટ્રાફિક નિયમન સુચારુ બને તેમજ વાહન અકસ્માતમાં ઘટાડો જોવા મળે તે માટે કાર્યરત રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં ટ્રાફિક સિગ્નલ, દબાણ, ગેરકાયદે હાઇવે મીડિયન ગેપ, હેલ્મેટ, લાઇસન્સ ઝુંબેશ વગેરે અંગે આર.ટી.ઓ. તથા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતી ડ્રાઈવ તેમજ જનજાગૃતિ કાર્યક્રમ અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી.

દ્વિચક્રી વાહન ચાલકોમાં અકસ્માત જીવલેણ ન બને તે માટે સરકાર દ્વારા કરવામાં આવેલા આદેશ મુજબ શહેરમાં હેલ્મેટ ફરજીયાત હોવાનું જણાવી આગામી દિવસોમાં હેલ્મેટ ચેકીંગ ડ્રાઈવ પુનઃ શરુ કરવા પોલીસ કમિશનરે ખાસ સૂચના આપી હતી. આગામી દિવસોમાં તહેવાર પૂર્ણ થયા બાદ તા. ૮ સપ્ટેમ્બરથી શહેરમાં હેલ્મેટ અંગેની મેગા ડ્રાઈવ શરુ કરવામાં આવશે તેમ બ્રજેશકુમારે નિર્દેશ આપ્યો હતો.

રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોનું પણ આવી બનશે
બેઠકમાં બ્રજેશકુમારે હાઈ-વે પર અકસ્માતના કારણોમાં લોકો દ્વારા ગેરકાયદે તોડવામાં આવતા મીડિયન ગેપ બુરી દેવા અને તેનો વિરોધ કરે તેમના વિરુધ્ધ સખત કાર્યવાહી કરવા ખાસ સૂચના આપી હતી. તેમજ રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો વિરુધ્ધ કામગીરી કરવા પોલીસ વિભાગ તેમજ આર.ટી.ઓ.ને સૂચનાઓ આપી હતી.

રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ડી.સી.પી પૂજા યાદવે શહેરમાં ટ્રાફિક પોલીસ, આર.ટી.ઓ. તેમજ આર.એમ.સી. દ્વારા ટ્રાફિક બસના ડ્રાઈવરના ચેકિંગ અંગે કરેલ કામગીરીની વિગતો રજુ કરી હતી. તેમજ હેલ્મેટ, સીટ બેલ્ટ, ડ્રાંઇવિંગ લાઇસન્સ સહીત ચેકીંગ અંગે કરવામાં આવેલ ડ્રાઈવ, ગેરકાયદે ચાલતા છકડા વિરુદ્ધ કરવામાં આવેલ કામગીરીની વિગતવાર માહિતી રજુ કરી હતી. આર.ટી.ઓ. અધિકારી કેતન ખપેડે ટ્રાફિક ડ્રાઈવ અને માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત કરેલ કામગીરીની માહિતી પુરી પાડી હતી.

શહેરમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા માર્ગ અકસ્માતમાં ઘાયલને રૂ. ૧.૫૦ લાખ સુધી કેશલેસ સારવાર મળવાપાત્ર હોવાનો ઉલ્લેખ કરી હોસ્પિટલ દ્વારા તેમાં સહકાર મળે તે માટે ખાસ ભાર મુક્યો હતો. તેમજ હિટ એન્ડ રન કેસમાં પણ ઘાયલને વળતર મળવાપાત્ર હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું હતું. નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાણીએ શહેરમાં દબાણ હટાવ કામગીરી, રોડ રીપેરીંગ, સર્કલ નાના કરવા સહિતની કામગીરી અંગે સંબંધિત અધિકારીઓને કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button