રાજકોટ બસ સ્ટેન્ડમાં ‘બબાલ’: ડ્રાઇવરે મહિલા પ્રવાસીને થપ્પડ મારી દીધી, વીડિયો વાયરલ

રાજકોટ: હાલ જન્માષ્ટમીના તહેવારને લઈને બસ, રેલવેથી લઈને તમામ વાહનોમાં મુસાફરોનો ખૂબ ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ બસ સ્ટેશનમાં રાજકોટ-મોરબી રૂટની બસમાં ચડવા જેવી નજીવી બાબતે એક મહિલા મુસાફર અને બસ ડ્રાઈવર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને આ બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ હતી કે બસ ડ્રાઈવર અને મહિલા સામસામે આવી ગયા હતા. જો કે આ ઉગ્ર બોલાચાલી બાદ ડ્રાઈવરે મહિલા પર હાથ ઉપાડતા આ હોબાળો મચી ગયો હતો.
મળતી વિગતો અનુસાર જન્માષ્ટમીના તહેવારને લઈને રાજકોટનું એસટી બસ સ્ટેશન સતત મુસાફરોથી ઉભરાઈ રહ્યું છે, ત્યારે આ દરમિયાન રાજકોટના મધ્યસ્થ બસ સ્ટેન્ડની અંદર બસમાં ચઢવા જેવી નજીવી બાબતમાં મુસાફર અને ડ્રાઈવર વચ્ચે બોલાચાલી થઇ હતી.
આ પણ વાંચો: શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે કરી ‘બબાલ’: સ્પાઈસ જેટના કર્મચારીઓ પર હિંસક હુમલો…
રાજકોટથી મોરબી રૂટ પરની બસમાં એક મહિલા દ્વારા જગ્યા રોકવા માટે બાળકને બસની બારીમાંથી અંદર ઘૂસાડી રહી હતી. બસના ડ્રાઈવરે મહિલાને બારીમાથી બાળકને અંદર ધકેલી જગ્યા રોકવાની ના પાડી હતી અને આ મામલે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
પ્લેટફોર્મ નંબર 5 પર મોરબી રૂટની બસ વાંકાનેર ડેપોના ડ્રાઈવર અને મહિલા મુસાફર વચ્ચે ઉગ્ર બોલાચાલી થિયા હતી. જો કે બસના ડ્રાઈવરે મહિલાને વચ્ચે નહીં પડવા અને દૂર રહેવા કહ્યું હતું, તેમ છતાં મહિલાએ ડ્રાઈવરનો કાંઠલો પકડી લીધો હતો, જેના કારણે ડ્રાઈવર ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલા મુસાફરને બે થપ્પડ મારી દીધી હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો, જ્યારે યૂઝરે પણ તેના પર પ્રતિક્રિયાઓ આપી હતી.