રાજકોટ

સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા સહિત પાંચ સામે ₹ 4.28 કરોડની ઠગાઈની ફરિયાદથી રાજકારણ ગરમાયું

રાજકોટ: ગોંડલના યુવા નેતા અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરીયા સહિત કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ₹ 4.28 કરોડની જંગી રકમની ઠગાઈનો સનસનાટીપૂર્ણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. મુંબઈના હરિ પટેલ અને રાજકોટના મવડી વિસ્તારના વેપારી મહેશ હીરપરાએ ઊંચા વળતરની લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ કરી હતી.

મહેશ નાનજીભાઈ હીરપરાએ રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ કરેલી ફરિયાદ અરજીમાં અલ્પેશ ગોવિંદભાઈ ઢોલરીયા -ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ, દર્પણ હરેશભાઈ બારસીયા – જિલ્લા ભાજપ કારોબારી સભ્ય, ગૌતમ પરસોતમભાઈ બારસીયા -(જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ, પરેશ ડોબરીયા તથા સંદીપ સેખલીયા સામે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : રાજકોટમાં ‘વિજય માલ્યા’ બની ફરતા ડિફોલ્ટરો સામે કલેક્ટરનું કડક વલણ: ₹4.70 કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી

કેવી રીતે થઈ ઠગાઈ?

આરોપી દર્પણ બારસીયા અને ગૌતમ બારસીયાએ આશરે 7 મહિના પહેલા (માર્ચ 2025 આસપાસ) મુંબઈના હરિકૃષ્ણ પટેલ (હરિ પટેલ) મારફત ફરિયાદી મહેશ હીરપરાનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ શેરબજાર અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરીને સારો નફો (પ્રોફિટ) અપાવવાની લાલચ આપી હતી. શરૂઆતમાં ફરિયાદીએ હરિ પટેલ મારફત ₹ 8 લાખ રોક્યા હતા, જે થોડા દિવસોમાં પરત પણ કરી દીધા હતા. આમ કરીને તેમનો વિશ્વાસ જીત્યો હતો.

વિશ્વાસ કેળવ્યા બાદ આરોપીઓએ એવી લાલચ આપી કે જો હાલમાં 1 મિલિયન ડૉલર (અંદાજે ₹ 8 કરોડ) રોકવામાં આવે તો 2 દિવસમાં જ 10 ટકા વળતર મળી શકે છે અને 3 દિવસમાં તમામ રકમ પ્રોફિટ સાથે પરત આપી દેવામાં આવશે. આ લાલચમાં આવીને ફરિયાદી અને હરિ પટેલે અન્ય લોકો પાસેથી ઉધાર લઈને કુલ ₹ 4,28,46,000 ભેગા કર્યા અને 8 એપ્રિલ, 2025ના રોજ મુંબઈમાં આરોપી સંદીપ સેખલીયા અને અન્ય એક વ્યક્તિને આ રકમ સોંપી હતી. ઘણા દિવસો વીતી ગયા છતાં વચન મુજબનું વળતર કે મુદ્દલ રકમ પરત કરવામાં આવી નહીં.

આ પણ વાંચો : ગુજરાતમાં સાયબર ક્રાઇમ્સમાં 41 ટકાનો વધારો: છેતરપિંડીના કેસમાં ૮૦ ટકાનો વધારો

જ્યારે હરિ પટેલે રકમ પરત માંગવા માટે આરોપી ગૌતમ બારસીયાની ઓફિસે મુલાકાત લીધી, ત્યારે ત્યાં દર્પણ અને ગૌતમ હાજર હતા.

ગૌતમ બારસીયાએ ધમકી આપી કે આ ડીલમાં અલ્પેશ ઢોલરીયા પણ પાર્ટનર છે અને તેઓ મોટી રાજકીય વગ ધરાવે છે. જો રકમની માંગણી કરવામાં આવશે કે કોઈને વાત કરવામાં આવશે, તો હરિ પટેલ અને મહેશ હીરપરાના હાથ-પગ ભાંગી નાખવામાં આવશે. આ કહીને હરિ પટેલ સાથે મારકૂટ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ‘ડિજિટલ અરેસ્ટ’નું સૌથી મોટું રેકેટ: પાટનગરમાં મહિલા ડોક્ટર પાસેથી ₹ 19 કરોડની છેતરપિંડી…

બાદમાં, અલ્પેશ ઢોલરીયાએ હરિ પટેલને પોતાની ઓફિસે બોલાવીને ગર્ભિત ધમકીઓ આપી કે આરોપીઓ સામે ન પડાય, આ રકમ ભૂલી જાવ, નહીં તો તમારી જિંદગી ગોટાળે ચડી જશે. આ અંગે રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ અરજી કરવામાં આવી છે, સાથે જ વડા પ્રધાન અને મુખ્ય પ્રધાને પણ પત્ર લખીને જાણ કરવામાં આવી છે. પોલીસ કમિશનરને અરજી મળતા જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.

અલ્પેશ ઢોલરીયાનો ખુલાસો: 10 કરોડનો માનહાનિનો દાવો કરીશ

જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ આ આરોપોને સદંતર ખોટા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, “આ ક્યા વહેવારની વાત છે એ મને ખબર નથી. અરજી કરનારને હું ઓળખતો નથી અને ક્યારેય મળ્યો પણ નથી. તેમના આવા ખોટા આક્ષેપ બદલ હું તેમની સામે ₹ 10 કરોડનો માનહાનિનો દાવો કરીશ અને તેમના વિરુદ્ધ હું પણ પોલીસમાં ફરિયાદ કરીશ.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button