રાજકોટ ભાજપમાં ઉકળતો ચરૂઃ મેયર-ધારાસભ્ય બાદ સાંસદનો વિવાદ સામે આવ્યો

રાજકોટઃ સામાન્ય રીતે ભાજપની ઓળખ શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની છે પરંતુ ઘણા બનાવોમાં ભાજપના આંતરિક ડખાના બનાવોમાં આ શિસ્ત નો ભંગ થયાના અનેક બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે. ત્યારે હવે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ભાજપનો આંતરિક ડખો વધુ એક વખત બહાર આવ્યો હતો. હવે સાંસદ રામ મોકરીયા અને સામાજિક અગ્રણી પરષોત્તમ પીપળીયા વચ્ચેનો વિવાદ સામે આવ્યો હતો.
મળતી વિગત પ્રમાણે, વિવાદની શરૂઆત પરષોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયા પર મૂકેલી એક પોસ્ટથી થઈ હતી, જેમાં તેમણે રાજકોટ મહાનગરપાલિકાના કોઈ ‘કટકીખોર’ પદાધિકારી પર આકરા પ્રહારો કર્યા હતા. પીપળીયાએ દાવો કર્યો હતો કે આ પદાધિકારીએ રાજકોટની પંચવટી સોસાયટીમાં પાંચ કરોડ પચાસ લાખ રૂપિયાની મિલકત ખરીદી છે.
આ પણ વાંચો : રાજકોટ ભાજપમાં ભડકોઃ આમંત્રણ પત્રિકામાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના નામની બાદબાકી
પરષોત્તમ પીપળીયાની આ પોસ્ટ બાદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વળતો જવાબ આપ્યો હતો, જેના પગલે બંને દિગ્ગજો વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. પરષોત્તમ પીપળીયાએ રામ મોકરિયાને સંબોધીને કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, રામભાઈ આપના પક્ષમાં કોણ કૌભાંડીયા છે તે આપ સારી રીતે જાણો છો, મારા મોંમા આંગળા નાખવાનું રહેવા દો. હા એટલુ ચોક્કસ, કે ‘આપ’ અણીશુદ્ધ પ્રમાણિક છે, પરંતુ કોણ ભ્રષ્ટાચારી છે તે ‘આપ’ની જાણમાં ન હોય તો તે તમારી નાદાની છે.’
તેમણે મહાનગરપાલિકાના એક કથિત ઉચ્ચ પદાધિકારીને કટકીનો બેતાજ બાદશાહ કોર્પોરેટર કહીને આક્ષેપ કર્યો હતો કે, જેનો રેકોર્ડ ‘સૌથી ઓછા બોલમા (સમય)મા લાંચની સદીઓ ફટકારવાનો છે કે જે સબ જમીન ઠાકોરની માનનારો છે તે આપ પણ જાણો છો અને આખું રાજકોટ પણ જાણે છે. પીપળીયાએ વધુમાં સવાલ ઉઠાવ્યો હતો કે, ‘બીજુ ઠીક પણ ઓલા સાત કરોડની રકમ હપ્તે હપ્તે ભુલવાના હપ્તા પુરા થયા કે નહી?
આ પણ વાંચો : રાજકોટ ભાજપના નેતાની વિવાદીત પોસ્ટ, 240માં સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે
પરષોત્તમ પીપળીયાએ પોતાના પર લાગેલા આક્ષેપોના જવાબમાં 20 વર્ષ પહેલાની એક બેંકની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ બાબત 20 વરસ પહેલાની છે અને ત્યારે બેંકમાં હું ક્લાર્ક હતો. તેમ છતાં બેંકના દરેક કૌભાંડીયાઓને જેલ ભેગા કરવામાં આવ્યા હતા.
થોડા દિવસ પહેલા મેયર નયનાબેન પેઢડિયા અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. બંને વચ્ચે કાર્નિવલમાં નામ લખવા અંગે બોલાચાલી થઈ હતી. મેયરે દાવો કર્યો હતો કે કાર્નિવલમાં આમંત્રણમાં ધારાસભ્ય દર્શિતા શાહે માત્ર પોતાનું નામ લખવા કહ્યું હતું. તેમણે અન્ય ધારાસભ્યોના નામ નહીં લખવા કહ્યું હતું. ધારાસભ્ય દર્શિતા શાહે મારી સાથે તું તારી કરીને વાત કરી હતી. રાજકોટ કાર્નિવલ આખા શહેરનો છે પણ ધારાસભ્યએ જીદ કરી હતી.