રાજકોટ ગુમ ફઈ-ભત્રીજી કેસ: મિલકત હડપવા અપહરણનું નાટક, ફઈએ જ ઘડ્યું કાવતરું!

રાજકોટ: રાજકોટ શહેરમાં ખુબ ચર્ચાસ્પદ બનેલા ફઈ ભત્રીજી એકાએક રહસ્યમય સંજોગોમાં થવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે ફઈ-ભત્રીજીને મધ્ય પ્રદેશના ઈન્દોરથી હેમખેમ શોધી કાઢ્યા હતાં અને બન્નેના અપહરણનો ગુનો નોંધાયો હતો. આ મામલે પોલીસે ઊંડી તપાસ આદરતા ચોંકાવનારી વાત સામે આવી હતી અને ૪૪ વર્ષની ફઈ રીમા માખાણીએ જ વારસાઇ મિલકતમાં ભાગ મેળવવા માટે આ આખા કાવતરાને અંજામ આપ્યો હતો.
મળતી વિગતો અનુસાર રાજકોટના અલકાપુરી મેઇન રોડ નજીક રહેતા ખોજા પરિવારની ફઈ ભત્રીજી થોડા દિવસ પહેલા ઘરેથી આઈસ્ક્રીમ ખાવા માટે બહાર નીકળ્યા બાદ કાર સાથે રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયા હતાં.
પરિવાર દ્વારા બંનેની શોધખોળ કર્યા બાદ પણ કોઈ ભાળ ન મળતા પરિવારજનોએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અપહરણનો અજાણ્યા શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે, પોલીસ અધિકારીઓને પ્રારંભથી જ ફઇ રીમા પર શંકા હતી. આથી જ પોલીસે ફઇ રીમાની ઊલટ પૂછપરછ કરી ત્યારે તે ભાંગી પડી હતી.
પોલીસની ઉલટતપાસમાં સામે આવ્યું હતું કે આરોપી રીમાએ કબુલ્યું હતું કે, પિતાની માલિકીની કરોડો રૂપિયાની મિલકતમાં ભાગ પડાવવા પોતે રેલનગરમાં રહેતા વકીલ રાજવીરસિંહ ઝાલાને મળી હતી અને વકીલ ઝાલાએ આ સમગ્ર કાવતરું ઘડ્યું હતું અને તે મુજબ જ તેની ભત્રીજી અનાયાને લઇને ઘરેથી આઈસક્રીમ ખાવા નીકળી હતી.
આ દરમિયાન વકીલ રાજવીરસિંહ ઝાલા મોઢે બુકાની બાંધી અને હાથમાં છરી સાથે આવ્યો હતો અને ફઇ-ભત્રીજી બન્નેને કારમાં મોરબી, ત્યાંથી ભુજ, ત્યાંથી રાજસ્થાન અને ઇન્દોર પહોંચ્યા હતા, ઇન્દોરમાં રીમા અને અનાયાને મૂકી વકીલ રાજવીરસિંહ ઝાલા નાસી ગયો હતો.