રાજકોટના જ્વેલર્સમાં કેશિયરનો કરોડોનો ‘હાથફેરો’, ગ્રાહકોના રૂ. 1.99 કરોડ ઓહિયા કરી ફરાર

રાજકોટ: શહેરના મવડી વિસ્તારમાં આવેલા જાણીતા ‘અર્જુન જ્વેલર્સ’ના શોરૂમમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો મોટો પર્દાફાશ થયો છે. જ્વેલર્સમાં છેલ્લા ત્રણ વર્ષથી હેડ કેશિયર તરીકે ફરજ બજાવતા હિતેશ પરમારે ગ્રાહકોને સોનામાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી અંદાજે ₹1.99 કરોડની ઉચાપત કરી છે. જ્વેલર્સના માલિક મનીષભાઈ ઘાડિયાએ આ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વેપારી આલમમાં ચકચાર મચી ગઈ છે.
આરોપી હિતેશ પરમાર, જે મૂળ આણંદના બોરસદનો વતની છે, તે ગ્રાહકોનો વિશ્વાસ જીતી તેમને અર્જુન જ્વેલર્સના નામે વિવિધ આકર્ષક સ્કીમોમાં રોકાણ કરવા લલચાવતો હતો. તેણે ગ્રાહકો પાસેથી સોનાના બિસ્કિટ અને દાગીનાના એડવાન્સ બુકિંગ પેટે લાખો રૂપિયા રોકડા મેળવ્યા હતા.
છેતરપિંડી આચરવા માટે તે જ્વેલર્સના નામે નકલી વાઉચરો અને બિલ બનાવી, તેના પર ખોટી સહીઓ કરીને ગ્રાહકોને પધરાવી દેતો હતો. જ્યારે ગ્રાહકો પોતાનું સોનું લેવા કે નાણાં પરત માંગવા શોરૂમ પર પહોંચ્યા ત્યારે આ આખા કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપીએ ઈશાબેન સોરઠીયા નામના ગ્રાહક પાસેથી ₹45.40 લાખ મેળવી નકલી વાઉચર આપ્યું હતું. તેવી જ રીતે અન્ય ગ્રાહક અંકિતાબેન રૈયાણી પાસેથી ₹1.20 કરોડ જેવી માતબર રકમ મેળવી હોવા છતાં કંપનીના રેકોર્ડ પર તે જમા કરાવી નહોતી. એટલું જ નહીં, સીસીટીવી ફૂટેજમાં હિતેશ શોરૂમમાંથી સોનાના બિસ્કિટ ચોરીને પોતાના પેન્ટના ગજવામાં મૂકતો પણ કેદ થયો છે. ગ્રાહક ચિરાગભાઈ અને વિમલભાઈ સાથે પણ સમાન પદ્ધતિથી લાખોની ઠગાઈ આચરવામાં આવી છે.
અર્જુન જ્વેલર્સે આરોપીની ગેરવર્તણૂકના કારણે તેને થોડા સમય પહેલા જ નોકરીમાંથી છૂટો કર્યો હતો, પરંતુ તેના ગયા પછી એક પછી એક ગ્રાહકો ફરિયાદ લઈને આવતા માલિક ચોંકી ઉઠ્યા હતા. હાલમાં આરોપી હિતેશ પરમાર ફરાર છે. તાલુકા પોલીસે ₹1.74 કરોડના રોકડ વ્યવહાર અને ₹25.97 લાખના સોનાના વાઉચર સહિત કુલ ₹1.99 કરોડની છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.



