
રાજકોટઃ હાલ ડીસામાં ફેક્ટરીમાં લાગેલી આગનો દુખદ બનાવ ચર્ચામાં આવ્યો છે ત્યારે રાજકોટ અગ્નિકાંડની યાદ જરૂર તાજી થાય છે. આ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા ફરી એકવખત ચર્ચામાં આવી છે . રાજકોટ મનપાનાં ટાઉન પ્લાનિંગ શાખાનાં ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠિયા બાદ હવે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અજય મનસુખભાઈ વેગડ સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આવકથી વધુ સંપત્તિનો કેસ નોંધવામાં આવ્યો છે.
અજય વેગડ સામે આવકથી વધુ સંપત્તિનો ગુનો દાખલ
પ્રાપ્ત વિગતો અનુસાર એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)એ રાજકોટ મહાનગર પાલિકાનાં ટાઉન પ્લાનિંગ શાખાના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અજય મનસુખભાઈ વેગડ સામે આવકથી વધુ સંપત્તિનો ગુનો દાખલ કર્યો છે. આરોપી અજય વેગડે તેમની નોકરીના છેલ્લા દસ વર્ષનાં ગાળામાં તેની કાયદેસરની આવક કરતાં 38.76% વધુ એટલે કે રૂ. 75,21,093ની અપ્રમાણસર મિલકત ભેગી કરી હતી. તે ઉપરાંત તેના અને તેમના પરિવારના સભ્યોનાં બેંક ખાતામાં પણ રૂ. 65.97 લાખ હોવાનો ખુલાસો થયો હતો.
TP શાખામાં નાયબ કાર્યપાલક ઇજનેર
અત્રે ઉલ્લેખનીય છે કે અજય વેગડ રાજકોટ મહાનગરપાલિકાની બાંધકામ શાખામાં સિવિલ શાખામાં વર્ગ-2ના નાયબ કાર્યપાલક ઇજનેર અને ભૂતપૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર છે. તેમની અપ્રમાણસર મિલકતની તપાસ 1 એપ્રિલ, 2014થી 3 જૂન, 2024ના સમયગાળા માટે કરવામાં આવી હતી. તેના તપાસનો ગાળો 1 એપ્રિલ, 2014થી 3 જૂન, 2024નો હતો અને આ તપાસમાં તેમના દસ્તાવેજી પુરાવા, બેંક ખાતાની વિગતો અને નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે તેના સરકારી સેવકના પદનો દૂરઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
38.76% વધુ અપ્રમાણસર મિલકત
આરોપી અજય વેગડે ગેરકાયદેસર રીતે પૈસાની કમાણી કરીને તે પૈસાનાં ઉપયોગથી તેમના, તેમની પત્ની અને બાળકોના નામે સ્થાવર અને જંગમ મિલકતોમાં રોકાણ કર્યું હતું. આ રીતે, તેમની આવક કરતાં રૂ. 75,21,093 એટલે કે 38.76% વધુ અપ્રમાણસર મિલકત મળી આવી હતી.