રાજકોટમાં બીમાર દીકરાને સાજો કરવા માટે 6 પશુઓની બલિ ચઢાવાઈ, જીવદયા ટ્રસ્ટે 9 મૂંગા જીવોને બચાવ્યા

રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગરમાં એકવીસ સદીના યુગમાં પણ અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. શહેરના ગ્રીન લેન્ડ ચોકડી નજીક આવેલા એક સ્થળે ચૌહાણ પરિવાર દ્વારા પોતાના બીમાર દીકરાને સાજો કરવાના ઉદ્દેશ્યથી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીવતા પશુઓની બલિ ચઢાવવાનું આયોજન હતું. જોકે, આ ગેરકાયદેસર અને ક્રૂર વિધિની જાણ થતાં જીવદયા ટ્રસ્ટ અને પોલીસે સમયસર દરમિયાનગીરી કરીને પશુબલિ અટકાવી હતી.
મળતી વિગતો અનુસાર, સમગ્ર ઘટનાની જાણ થતા જ જીવદયા ટ્રસ્ટના કાર્યકર્તાઓ પોલીસની ટીમને સાથે લઈને તાત્કાલિક માંડવાના સ્થળે પહોંચ્યા હતા અને રેડ પાડી હતી. આ રેડ દરમિયાન જીવદયા ટ્રસ્ટ દ્વારા કુલ 9 જેટલા જીવતા પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, દુઃખની વાત એ છે કે પરિવાર દ્વારા અગાઉ જ 6 જેટલા પશુઓની બલિ ચઢાવી દેવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર રાજકોટ શહેરમાં હાહાકાર મચી ગયો છે અને અંધશ્રદ્ધાના આચરણ સામે સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો: રાજકોટ જિલ્લામાં પશુરોગો સામે પશુધનનું સઘન રસીકરણ: 33,316 પશુઓને રસી અપાઈ…
આ ઘટના અંગે રાજકોટ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પણ આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિજ્ઞાન જાથા અને સરકાર દ્વારા સતત લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે અપીલો અને જાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે, તેમ છતાં અમુક લોકો હજુ પણ અંધશ્રદ્ધામાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બીમારીથી સાજા થવા માટે મૂંગા પશુઓને મોતને ઘાટ ઉતારવાને બદલે ડોક્ટરોની સલાહ લેવી જોઈએ. હાલમાં થોરાળા પોલીસ દ્વારા સમગ્ર બાબતે ગુનો નોંધીને કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.



