લૂંટનું નાટક! રાજકોટ પોલીસે 37 લાખની લૂંટનો પર્દાફાશ કરી આંગડિયા કર્મચારીને દબોચ્યો | મુંબઈ સમાચાર

લૂંટનું નાટક! રાજકોટ પોલીસે 37 લાખની લૂંટનો પર્દાફાશ કરી આંગડિયા કર્મચારીને દબોચ્યો

રાજકોટ: ત્રંબા નજીક કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ બંદૂક દેખાડી આંગડિયાના વેપારી પાસેથી 37 લાખ રૂપિયાની લૂંટ કરી હોવાના બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ ફરિયાદ બાદ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી ઝોન 1 અને સ્થાનિક પોલીસ ટીમે નાકાબંધી કરીને આરોપીઓને પકડવા માટેની તપાસ આદરી હતી. જો કે તપાસના અંતે આંગડિયા પેઢીના કર્મચારીએ લૂંટનું તરકટ રચ્યાનો ખુલાસો થયો હતો અને લૂંટનો કોઈ બનાવ જ ન બન્યો હોવાનું સામે આવ્યું હતું.

મળતી વિગતો અનુસાર જસદણના આંગડિયા પેઢીના કર્મચારી જગદિશસિંહે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે રાજકોટ-ભાવનગર રોડ પર તેની કાર આંતરી હથિયાર બતાવી ત્રણ શખસોએ રૂ.37 લાખની લૂંટ ચલાવી નાસી ગયા હતાં. આ ફરિયાદ બાદ ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ સમયે આંગડિયા પેઢીના કર્મચારીએ કહ્યું હતું કે તે રાજકોટના વેપારીને પૈસા આપવા આવી રહ્યો હતો, તે દરમિયાન આ લૂંટનો બનાવ બન્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું.

આ પણ વાંચો: Deesa માં ધોળા દિવસે રિવોલ્વરની અણીએ આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો, 80 લાખની લુંટ

જો કે ફરિયાદીના નિવેદન અંગે શંકા જતા પોલીસે વધુ પૂછપરછ કરતા આંગડિયા પેઢીમાં કામ કરતા જગદિશસિંહે પોતે જ દેણું ભરવા માટે લૂંટનું તરકટ રચ્યાનું સામે આવ્યું હતું. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી તેની સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી દ્વારા અગાઉ પણ આંગડિયા પેઢીના રૂપિયા 9 લાખ ઓળવી ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

આ અંગે રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આરોપી જગદીશ ચૌહાણ મૂળ ઢસા ગામનો રહેવાસી છે અને જસદણ ખાતે આંગડિયા પેઢીમાં ઘણા સમયથી નોકરી કરે છે. જેણે નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં શરૂઆતથી જ તે કંઇક છુપાવી રહ્યો હોવાની શંકા ગઈ હતી અને જરૂરી પ્રશ્નોના પણ સવાલ આપી શક્યો નહોતો.

આ પણ વાંચો: ધોળા દિવસે લો ગાર્ડન પાસે આંગડિયા કર્મચારી સાથે ફિલ્મી ઢબે 65 લાખની મચાવી લૂંટ

આથી ક્રાઈમ બ્રાંચને તેના પર વધુ શંકા ગઈ હતી અને આથી વધુ પુછપરછ કરતા અંતે લૂંટનું તરકટ રચ્યાની કબૂલાત કરી હતી. જેના આધારે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સુમિત પટેલની ફરિયાદ પરથી આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button