રાજકોટ એઈમ્સમાં ભરતી કૌભાંડનો પર્દાફાશ, પૂર્વ ડાયરેક્ટરે દિવ્યાંગ પુત્રને ક્લાસ-2 અધિકારી બનાવ્યો

રાજકોટઃ એઈમ્સમાં ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો હતો, એઈમ્સ સંસ્થાના પૂર્વ ડિરેક્ટર ડૉ. સી.ડી.એસ. કટોચે પોતાના દિવ્યાંગ પુત્ર ભાવેશ કટોચને ખોટી રીતે ક્લાસ-2 અધિકારી તરીકે નિયુક્ત કરાવ્યા હોવાનો આરોપ થયો છે. મળતી માહિતી મુજબ, ભાવેશ કટોચને આંખમાં તકલીફ છે અને તેની પાસે 60 ટકા ડિસેબિલિટીનું સર્ટિફિકેટ પણ છે, તેમ છતાં તેને મેડિકલી ફિટ બતાવીને આ પોસ્ટ આપવામાં આવી હતી. આ ગેરરીતિનો પર્દાફાશ થતાં રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે.
રાજકોટ એઈમ્સના પૂર્વ ડિરેક્ટર ડો. સી.ડી.એસ. કટોચે પોતાના દિવ્યાંગ દીકરા ભાવેશને મેડિકલ ફિટ બતાવીને કલાસ-2 અધિકારી બનાવી દીધો છે. પૂર્વ ડિરેક્ટર ડો. સી.ડી.એસ. કટોચનો દીકરો ભાવેશ આંચકી (ઈપીલેસી) ના રોગથી પીડાય છે. ભાવેશને આંચકી ઉપડતા એઈમ્સમાંથી સારવાર લીધી હોય તેવી વિગતો પણ બહાર આવી છે. આ ઉપરાંત ભાવેશની બંને આંખમાં પણ તકલીફ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ડો. સી.ડી.એસ. કટોચના દીકરા ભાવેશને આટલી શારીરિક તકલીફો હોવા છતાં મેડિકલી ફિટ હોવાનું સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. એટલું જ નહિ પરંતુ આ સર્ટિફિકેટને આધારે ભાવેશને ક્લાસ-2 અધિકારી પણ બનાવી દેવાયો છે. કાયદાના લીરેલીરા ઉડાડીને આચરવામાં આવેલા આ કૌભાંડથી માત્ર રાજકોટ જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો: રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ 107 વર્ષના સમજુબા ખુશખુશાલ
સાંસદ પરષોત્તમ રૂપાલાએ આ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે તેમને એઈમ્સમાં ગેરકાયદેસર ભરતી અંગે ફરિયાદ મળી હતી. તેમણે કહ્યું હતું કે, એઈમ્સમાં ભરતી મુદ્દે મને ફરિયાદ મળી હતી. આ ભરતીને લઈને વિવાદ સર્જાયો છે અને તેની તપાસ કરવામાં આવશે. અમે ફરિયાદના આધારે તપાસના આદેશ પણ આપ્યા છે. કોઈપણ ગેરરીતિ એઈમ્સમાં ચલાવી નહીં લેવાય. જે પ્રમાણે ભરતી કરવામાં આવી છે, તેના ડિરેક્ટર સાથે પણ અમે ચર્ચા કરીશું.