રાજકોટ

Rajkot: 76 વર્ષના પિતાને બીજીવાર કરવા હતા લગ્ન, પુત્રએ ના પાડતાં ગોળી ધરબી દીધી

રાજકોટ: જિલ્લાના જસદણ શહેર ખાતે દાદાની ઉમરના વૃદ્ધને પરણવાના કોડ જાગ્યા હતા. 76 વર્ષની ઉંમરે પ્રભુ ભજન કરવાની જગ્યાએ રામભાઈ ઉર્ફે રામકુભાઈ બોરીચાને બીજી વખત પરણવાની પુત્રે ના પાડી હતી. જેનાથી ગુસ્સે ભરાઈને પિતાએ પોતાની પાસે રહેલા હથિયાર વડે બે જેટલી ગોળી પોતાના પુત્રને વીંધી નાખીને તેની હત્યા કરી હતી. તેમજ પુત્રની હત્યા કર્યા બાદ પિતા પોતાના પુત્રની લાશની બાજુમાં ખુરશી નાખીને કોઈપણ જાતના અફસોસ વગર બેઠા હતા.

રાજકોટ જિલ્લાના જસદણ શહેર ખાતે રામભાઈ ઉર્ફે રામકુભાઈ બોરીચા (ઉ.વ.76) દ્વારા પોતાના પુત્ર પ્રતાપ બોરીચા (ઉ.વ.52) પર બે રાઉન્ડ ફાયરિંગ કરીને તેની હત્યા કર્યાની મૃતકની પત્ની દ્વારા પોતાના સસરા અને હત્યારા પિતા રામભાઈ ઉર્ફે રામકુભાઈ બોરીચા વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવામાં આવ્યો હતો. જસદણ પોલીસ દ્વારા રામભાઈ ઉર્ફે રામકુભાઈ બોરીચાની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો…અમદાવાદ રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાશે, તિર્થસ્થાનોના વિકાસ માટે રૂ. 200 કરોડની જોગવાઈ

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ 1995માં મારા લગ્ન પ્રતાપ બોરીચા નામના મારા મામાના દીકરા સાથે થયા હતા. રવિવારના રોજ સવારના 10:00 વાગ્યાના અરસામાં હું તેમજ મારા પતિ પ્રતાપભાઈ અમારા ઘરે હતા. દીકરો બહાર દૂધ લેવા માટે ગયો હતો. ત્યારે હું મારા સસરા રામ ભાઈને ચા આપવા ગઈ હતી. ત્યાંથી હું અમારા ઘરમાં પરત ફરી રહી હતી ત્યારે બંદૂકના ફાયરિંગનો અવાજ આવ્યો હતો. તેમજ મારા પતિ પ્રતાપભાઈ હોય તેવો અવાજ આવતા હું મારા સસરાના ઘરના હોલના દરવાજે પહોંચતા દરવાજો બંધ હતો. બીજો ફાયરિંગનો અવાજ આવતા મેં હોલનો દરવાજો ખખડાવતા મારા સસરા દ્વારા હોલનો દરવાજો ખોલવામાં આવ્યો હતો. તેમજ તેમના હાથમાં પિસ્તોલ જેવું હથિયાર હતું તે લઈ મારી પાછળ દોડતા હું ત્યાંથી ભાગી ગઈ હતી. તેમજ અમારા મકાનમાં જઈ બંનેના મકાન વચ્ચે આવેલો દરવાજો બંધ કરી દીધો હતો.

પોલીસે શું કહ્યું
ડેપ્યુટી એસપીએ કહ્યું કે, પ્રારંભિક તપાસમાં લગ્નને લઈ બાપ-દીકરા વચ્ચે લાંબા સમયથી ચાલ્યો આવતો વિવાદ સામે આવ્યો છે. આરોપીની પૂછપરછ ચાલી રહી છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button