મોબાઈલનો પાસવર્ડ બદલી રિક્ષાચાલક પિતા કામ પર ગયા ને 12 વર્ષના દીકરાએ…

રાજકોટઃ મોબાઈલને કારણે મારામારી કે આપઘાતના કિસ્સા વારંવાર પ્રકાશમાં આવતા રહે છે. માતા-પિતા માટે ખૂબ પડકારજનક સ્થિતિ મોબાઈલને કારણે ઊભી થઈ ગઈ છે. આવી જ એક કરૂણ ઘટનામાં એક 12 વર્ષના કિશોરે જીવ દઈ દીધાનું જાણવા મળ્યું હતું.
રાજકોટના ચંદ્રેશનગર વિસ્તારમાં રહેતા કિશોરને મોબાઈલની લત લાગી ગઈ હતી. રીક્ષા ચલાવતા પિતાએ દીકરાને ઠપકો આપ્યો હતો અને મોબાઈલનો પાસવર્ડ બદલી નાખ્યો હતો. બાળકે માતા પાસેથી પાસવર્ડ રાખ્યો પણ માતાએ પણ ન આપ્યો, તેથી માઠું લાગતા કિશોરે આપઘાત કરી લીધાની ઘટના બહાર આવી હતી.
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર બાળક સ્કૂલેથી ઘેર આવી મોબાઈલ લઈ બેસી જતો હતો. રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન કરતા પિતાએ તેને ઠપકો આપ્યો હતો અને મોબાઈલનો પાસવર્ડ પણ બદલી નાખ્યો હતો.
પિતા બપોરે ઘરેથી બહાર ગયા એટલે દીકરાએ ફરી મોબાઈલ હાથમાં લીધો હતો. પાસવર્ડ બદલાયો હોવાથી મોબાઈલ ઑપન ન થતા તેમે માતા પાસેથી માગ્યો હતો. માતાએ પાસવર્ડ ભૂલી ગઈ તેમ કહેતા બાળકને માઠું લાગ્યું હતું અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. બે દીકરીના શ્રમિક પરિવારનો મોટો દીકરો આ રીતે મૃત્યુ પામતા મા-બાપ શોકમાં સરી પડયા હતા.



