રાજકોટ

રાજકોટ સાંઢીયા પુલના નવીનીકરણ આડે રેલવેનુ વિઘ્ન

રેલવેની આળસ અને મહાનગરપાલિકાની ઢીલી નીતિને પગલે હજારો લોકોને હાડમારી

રાજકોટ: પ્રોજેક્ટ બે વર્ષથી બદલે પાંચ વર્ષે પૂર્ણ થાય તેવી ભીતિ કમિશનરને કોંગ્રેસ પ્રમુખ ની રજૂઆત. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પરના વર્ષો જૂના સાંઢીયા પુલના નવીનીકરણ માટે 74.32 કરોડના ખર્ચે કામ શરૂ કરાયું છે પરંતુ રેલવે તંત્રની આડોળાઈ અને પ્રોજેક્ટ શરૂ થતા ડાયવર્ઝન માટે રાજકોટ મહાનગરપાલિકાને રાજવી સાથે વિવાદ થતા તત્કાલીન સમયે પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો હાલ કામ સ્થગિત હોય તેવું સ્પષ્ટપણે જણાય છે.

સાંઢીયા પુલના નવીનીકરણ કરીને હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફોર લેન બ્રિજ બનાવાય રહ્યો છે ત્યારે આ કામ લાંબા સમયથી ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું હોય તેવું સ્પષ્ટ જણાય છે કારણ કે એક બાજુથી કામ હાલ ઠપ્પ કરી દેવામાં આવ્યું છે. હાલ રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ઝોન રેલવેમાં બોમ્બે પાસેથી હાલ મંજૂરી મળી જાય પછી કામ યુદ્ધના ધોરણે કરવામાં આવશે પરંતુ મંજૂરી બાબતે ત્રણથી ચાર મહિના ઉપર સમય થવા છતાં હજુ રેલવે બાબુ ની આડોળાઈને કારણે હાલ તો આ પ્રોજેક્ટમાં વિઘ્ન આવેલ છે. રેલવેની મંજૂરી મળ્યા બાદ પીજીવીસીએલ નું કામ આગળ વધી શકે એમ છે જે પગલે હજારો લોકોને આ અંગે વધુ સમય સુધી હાડમારી વેઠવી પડે તેવા સંજોગો ઉભા થયા છે.

આ પણ વાંચો: સાંઢીયો પુલ બંધ થતા ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સાબિત થશે

જ્યારે આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી તે સમયે જાહેરનામું બહાર પડેલ તત્કાલીન સમયે તારીખ 12/1/2023 શહેરની સામાજિક સંસ્થા અને અન્ય જાગૃત નાગરિકોએ આ અંગે બંને બાજુ ડાયવર્ઝન બાબતે જિલ્લા કલેકટરને અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆતો કરવા છતાં એક જ બાજુ ડાઈવરજન આપેલ હોવાને પગલે હાલ પેટ્રોલ પંપ તરફથી પસાર થતાં ભોમેશ્વર ના રસ્તે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે ત્યારે ટ્રાફિકની અંધાધુંધી ને પગલે લોકોને વર્ષો સુધી આ યાતનાઓ પસાર કરવી પડશે.

રેલ્વે લાઈનના હયાત બ્રિજને કોઈપણ પ્રકારની નુકસાની ન થાય તે રીતે આધુનિક કટરથી ગુજરાતમાં સૌપ્રથમ ઉપયોગ કરી પીસ કરી તોડવામાં આવશે પરંતુ આ અંગેની મંજૂરી હાલ ટલ્લે ચડી છે. રેલવેના કારણે પી જી વી સી એલ નું કામ પણ હાલ ટલ્લે ચડ્યું છે. અહીંથી નીકળતી 11 કેવી ની લાઈન રેલવેના બ્રિજ નીચેથી પસાર કરવા માટે રેલવે પાસે પીજીવીસીએલ દ્વારા મંજૂરી માંગવામાં આવી છે તે હજુ સુધી મળી નથી એવું જાણવા મળેલ છે. આ બ્રિજ ન થાય ત્યાં સુધી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી) ની ૬૦૦ બસોને ચારથી પાંચ કિલોમીટર શહેરમાં ફરવું પડે છે જે પગલે આ બસમાંના તમામ મુસાફરોને મુસાફરી ભાડામાં વધુ ડામ ચૂકવવો પડે છે.

આ પણ વાંચો: સાંઢીયા પુલનું નવનિર્માણ વિલંબમાં, રીટેન્ડરીંગ થશે

આ અંગે જિલ્લા કલેકટર રાજકોટ દ્વારા તારીખ 29/5/2023 ના સીએમ સેલ જિલ્લા સ્વાગત માર્ચ રજીસ્ટર 15/2023 ના પત્રથી ભાડા ઘટાડવા બાબતે એસ.ટી નિગમને લેખિત આદેશ કરવા છતાં આજની તારીખે કોઈ જાતનો ભાડા ઘટાડો કરવામાં આવેલ ન હોવાથી મુસાફરોને ફરજિયાત સમય અને નાણાંનો બરબાદ થાય છે અને રાજકોટ શહેરમાં આ બસો પ્રદૂષણ ફેલાવે છે. રાજકોટમાં થી પસાર થતો આ સાંઢીયા બ્રિજ વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર 3 ની મધ્યમાં છે ત્યાંના તમામ કોર્પોરેટરો શાસક પક્ષના છે. શહેરના તમામ ધારાસભ્ય પણ શાસક પક્ષના છે. અને રાજકોટમાં એક નહીં પણ બે બે સંસદ સભ્ય હોવા છતાં રેલવે પાસેથી મંજૂરી લેવામાં માયકાંગલા પુરવાર થયા છે.

રાજકોટ મહાનગરપાલિકા એ આ અંગે બ્રિજનું કામ બે વર્ષમાં પૂર્ણ કરવાની જે લોકોને બાહેધરી આપી છે તે પૂર્ણ થશે કે કેમ તે એક શંકા છે. કારણકે રેલવે બાબુઓની આડોળાઈ ને પગલે શહેરના ગુરુકુળ સહિતના પ્રોજેક્ટ માં સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવામાં આવ્યું ન હતું જે રાજકોટમાં મહાનગરપાલિકાના રેકોર્ડ પર પણ મૌજુદ છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી અને વિરોધ પક્ષના નેતા શ્રી વશરામભાઈ સાગઠીયા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને પત્ર પાઠવી આ સાંઢીયા પુલ નું કામ ઝડપથી પૂર્ણ કરવા લેખિતમાં અપીલ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button