સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિસરમાં વિરોધ પ્રદર્શન: NSUI અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ગેટનો કાચ તૂટ્યો | મુંબઈ સમાચાર
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિસરમાં વિરોધ પ્રદર્શન: NSUI અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ગેટનો કાચ તૂટ્યો

રાજકોટ: સતત વિવાદોના કેન્દ્રમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે શિક્ષણમાં ખાનગીકરણ, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ પર એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ ઘર્ષણમાં યુનિવર્સિટીની ઇમારતના ગેટનો કાચ તૂટયો હતો.

મળતી વિગતો અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે રાજકોટ શહેર કોંગ્રેસ અને NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) દ્વારા વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વિરોધ પ્રદર્શન મુખ્યત્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા, પીએચડી ગાઈડશીપ અને કુલપતિની કામગીરીમાં રહેલી ગેરરીતિઓના વિરોધમાં કરવામાં આવ્યું હતું. ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને કોંગી આગેવાનોએ યુનિવર્સિટીની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.

જોકે, આ વિરોધ પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ વણસી હતી. NSUI અને કોંગ્રેસના કાર્યકરો જ્યારે કુલપતિને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા. આ ઘટના બાદ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. વિરોધ કરી રહેલા કેટલાક કાર્યકરોને પોલીસે યુનિવર્સિટીમાં પ્રવેશતા રોક્યા હતા અને આ દરમિયાન થયેલી ઝપાઝપી દરમિયાન ગેટનો કાચ તૂટયો હતો. આ હિંસક વિરોધ અને તોડફોડને કારણે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ફરજ પર હાજર પોલીસે NSUIના પ્રદેશ પ્રમુખ સહિત કોંગ્રેસના અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ભારે તણાવ જોવા મળ્યો હત.

આ પણ વાંચો…સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 200 વિદેશી વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button