રસ્તા મુદ્દે રાજકોટમાં રાજકીય ગરમાવો: ‘ખાડારાજ’થી ત્રસ્ત ભાજપના નેતા પણ ઉપવાસ પર ઉતર્યા!

રાજકોટ: ચોમાસાની ઋતુ બાદ સમગ્ર રાજકોટ શહેરમાં ખરાબ થયેલા રસ્તાઓની ફરિયાદો જાગી છે. રાજકોટમાં થોડા જ વરસાદમાં ખાડારાજ સર્જાયુ અને આ મુદ્દે સ્થાનિકો અને વિરોધ પક્ષ તો વિરોધ કરી રહ્યા છે પરંતુ ખરાબ થયેલા રસ્તાથી તો શાસક પક્ષ એવા ભાજપનાં આગેવાન પણ ત્રસ્ત થઇ ગયા છે અને હવે તેઓ પણ આંદોલનનાં માર્ગે છે. રાજકોટ-કણકોટ જતાં રોડની બિસ્માર હાલતને લઈને ભાજપના આગેવાન નરેન્દ્રસિંહ રાઠોડ ઉપવાસ પર ઉતર્યા છે.
ભાજપના નેતા ઉપવાસ પર ઉતર્યા
મળતી વિગતો અનુસાર રાજકોટ શહેરથી કણકોટને જોડતો રસ્તો ખુબ જ બિસ્માર બન્યો છે. વળી આ રસ્તો એન્જિનિયરિંગ કોલેજ, સરકારી પોલીટેકનીક કોલેજ, લાલભાઈ ત્રિવેદી કોલેજ, કણકોટ ગામને જોડતો હોય અહીથી રોજ હજારો વાહનોની અવરજવર રહે છે. શૈક્ષણિક સંસ્થાઓ પણ આ માર્ગ પર જ હોય વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક લોકોને અગવડતા વેઠવાનો વારો આવ્યો છે. બિસ્માર રસ્તા મુદ્દે સ્થાનિક ગામ લોકો, વિરોધ પક્ષ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવીઓ હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા હોવાના આક્ષેપ સાથે ભાજપના નેતા નરેન્દ્રસિંહ રાઠોડ ઉપવાસ પર ઉતર્યા હતાં.
આ પણ વાંચો: રાજકોટના પુલો જોખમમાં? કોંગ્રેસની તત્કાળ સમારકામ અને કેસરી હિન્દ પુલની મુદત પૂર્ણ થયાની રજૂઆત
એક જાગૃત નાગરિક તરીકેનું સામાજિક કાર્ય
આ અંગે નરેન્દ્રસિંહ રાઠોડે મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ આંદોલન કોઈ પક્ષનો કાર્યક્રમ નથી, પરંતુ એક જાગૃત નાગરિક તરીકેનું સામાજિક કાર્ય છે. છેલ્લા 3 વર્ષથી આ રસ્તા અંગે રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ મહાપાલિકાનું તંત્ર નિષ્ફળ રહ્યું છે. મ્યુ. કમિશ્નર દ્વારા પણ આ રસ્તા અંગે કોઈ ધ્યાન અપાતું નથી. 2 જુલાઈના રોજ તેમણે આવેદનપત્ર આપી 10 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા આજે તેઓ આંદોલન પર બેઠા છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજકોટમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત બિસ્માર બની છે અને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ખરાબ રસ્તાઓથી કંટાળી ગયેલા ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલી તિરુપતિ નગર સોસાયટીના રહીશોનો ચક્કાજામ કરી તંત્ર સામે પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.