રાજકોટમાં કેમ નહીં કરે પીએમ મોદી રોડ શો ? જાણો શું છે કારણ

રાજકોટઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજન ઈન્વેસ્ટર્સ સમિટનું 11 જાન્યુઆરી ઉદ્ઘાટન કરશે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી સમિટમાં હાજરી આપતાં પહેલા પીએમ મોદી રોડ શો કરવાના હતા પરંતુ હવે પીએમ મોદીનો આ રોડ શો મોકૂફ રાખવામાં આવ્યો છે. પીએમ મોદી સોમનાથથી સીધા મારવાડી કોલેજ પહોંચશે. રાજકોટમાં પીએમ મોદીના રોડ શો રદ કરવા પાછળનું હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
વર્ષ 2026ના વડા પ્રધાન મોદીના પ્રથમ ગુજરાત પ્રવાસને લઈ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી રાજકોટ આવ્યા હતા અને સમિટની તૈયારીનો રિવ્યૂ કર્યો હતો. રાજકોટ સર્કિટ હાઉસ ખાતે હર્ષ સંઘવીએ કલેક્ટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, મેયર, ડેપ્યુટી મેટર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ સાથે મીટિંગ કરી હતી.
11 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતેથી વડા પ્રધાન મોદીના હસ્તે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ થશે. તેમાં સૌરાષ્ટ્રના ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિ અને તકોના નવા દ્વાર ખૂલશે.
ગુજરાતની આ બીજી રિજનલ વાઇબ્રન્ટ સમિટ રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે 11 અને 12 જાન્યુઆરીએ યોજાશે. આ સમિટની અગત્યની બાબતો નીચે મુજબ છે.
જાપાન, યુક્રેન, રિપબ્લિક ઓફ કોરિયા અને રિપબ્લિક ઓફ રવાન્ડા જેવા 22 દેશો આ સમિટમાં જોડાશે.
26,400 ચોરસ મીટરમાં ટ્રેડ શોનું આયોજન કરાયું , જે મહેસાણા કરતા પણ વિશાળ હશે.
સૌરાષ્ટ્ર-કચ્છના ઓટોમોબાઇલ અને સિરામિક ઉદ્યોગોને આનાથી વૈશ્વિક પ્લેટફોર્મ મળશે. ટાટા કેમિકલ્સ, રિલાયન્સ અને અદાણી જેવી કંપનીઓ સહભાગી થશે.
અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલમાં આપશે હાજરી
12મી જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાત લેશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવે તેવી શક્યતા છે. આ જ સમયે જર્મનીના ચાન્સેલર પણ ગુજરાતના મહેમાન બનવાના છે, જેમને વડા પ્રધાન સાબરમતી રિવરફ્રન્ટ અને ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત કરાવી શકે છે. વડા પ્રધાન મોદી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની પણ મુલાકાત લઈ શકે છે.
આ પણ વાંચો…રાજકોટમાં 11 જાન્યુઆરીએ યોજાશે પીએમ મોદીનો રોડ શો, વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું કરશે ઉદઘાટન



