દેશે સ્વીકાર્યું 24 કલાક વીજળીનું ગુજરાત મોડલઃ પીયુષ ગોયલ

રાજકોટઃ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો આજે બીજો દિવસ છે. જેમાં કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલ હાજર રહ્યા હતા. તેમણે સંબોધન દરમિયાન કહ્યું, સમગ્ર દેશે ગુજરાતનું 24 કલાકનું વીજળી મોડલ સ્વીકાર્યું છે.
શું બોલ્યા પીયુષ ગોયલ
પીયુષ ગોયલે સંબોધન દરમિયાન કહ્યું- નરેન્દ્ર મોદીએ 2014માં કેન્દ્ર સરકારની કમાન સંભાળી હતી. છેલ્લા 11 વર્ષમાં તેમણે સૌર ઉર્જા માટે સતત પ્રોત્સાહન આપ્યું છે. તેઓ ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારે પણ સૌર ઉર્જા બાબતે તેમની ટીકાઓ થતી હતી. પરંતુ તેમનું વિઝન સ્પષ્ટ હતું કે સૌર ઉર્જામાં માત્ર એક જ વાર રોકાણ કરવાની જરૂર હોય છે, જે લાંબા ગાળે મોટો ફાયદો આપે છે. મનમોહન સિંહે 2030 સુધી 20 મેગાવોટ સોલાર એનર્જી બાબતે લક્ષ્યાંક રાખ્યો હતો, જેને નરેન્દ્ર મોદીએ 20 મેગાવોટનો લક્ષ્યાંક 100 મેગાવોટ કર્યો. તેમજ લક્ષ્યાંકની પૂર્તિ 2030 નહીં પરંતુ 2022 રાખવામાં આવી હતી.
મફતની રેવડી આપવાના બદલે મોદીએ કર્યું આ કામઃ ગોયલ
આ ઉપરાંત પીયુષ ગોયલે સોલાર એનર્જી બાબતે કહ્યું, રિવર્સ ઓક્શન પણ નરેન્દ્ર મોદીના શાસનકાળમાં કરવામાં આવ્યો હતો. રૂફ ટોપ બાબતે પણ સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. 2014ની સરખામણીએ 50 ગણી વધુ સોલાર પાવર મેળવવામાં આવી રહી છે.
પીયુષ ગોયલે વડા પ્રધાનના અભિગમની પ્રશંસા કરતા કહ્યું કે, સરકારે લોકોને ‘ફ્રી બિઝ’ (મફતની રેવડી) આપવાને બદલે સશક્ત બનાવવાનું પસંદ કર્યું છે. મફતમાં વીજળી મેળવવાની જગ્યાએ લોકોને પોતાના ઘર ઉપર સોલર રુફટોપ લગાવીને વીજળી મામલે આત્મનિર્ભર બનાવવા આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતે દેશને 24 કલાક વીજળી કઈ રીતે મળી શકે, આત્મ નિર્ભરતા કઈ રીતે કેળવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પીએમ કુસુમ યોજના થકી ખેડૂતોને પણ સોલાર એનર્જી થકી આર્થિક ઉપાર્જન કઈ રીતે મળવી શકાય તે અંગે કામગીરી કરવામાં આવી છે. આગામી 2030 સુધીમાં ભારત ગ્રીન એનર્જી થકી 500 ગીગા વોટનું ઉત્પાદન કરતું થઈ જશે, જેના કારણે લોકોને વીજળી સસ્તામાં મળતી થઈ જશે.
ગુજરાતે દેશને બતાવ્યું છે કે 24 કલાક વીજળી અને આત્મનિર્ભરતા કેવી રીતે મેળવી શકાય. પ્રધાને અંતમાં ભારપૂર્વક જણાવ્યું કે, “ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન છે; જેમ જેમ ગુજરાતનો વિકાસ થશે, તેમ તેમ ભારતનો વિકાસ પણ વેગ પકડશે.



