જંત્રી દરના વધારા સામે વિરોધની વચ્ચે રાજકોટમાં જંત્રી દરના વધારા માટેની અરજી!
રાજકોટ: ગુજરાત સરકારે આવક વધારવા માટે જમીનની સૂચિત જંત્રી દરો જાહેર કર્યા હતા. તેમજ તેનો અમલ થાય તે પૂર્વે રાજયના રિયલ એસ્ટેટ અને બિલ્ડર એસોસીએશને તેનો વિરોધ કર્યો હતો. જેના પગલે સરકારે જંત્રીના દર વધારા માટે સૂચનો મંગાવાની ફરજ પડી હતી. જો કે રાજકોટમાં તેનાથી એકદમ ઊલટું જ ચિત્ર જોવા મળ્યું છે, અહી કલેકટરને જંત્રીદર વધારવા માટે અરજી કરવામાં આવી છે.
જંત્રી દરમાં વધારા સામે વિરોધ
ગુજરાત સરકાર દ્વારા જંત્રી દરમાં જંગી વધારો સુચવવામાં આવ્યો ત્યારથી જ ક્રેડાઈ ગુજરાત સહિતની સંસ્થાઓ સરકારના આ નિર્ણયની સામે મેદાનમાં છે. તેમણે વિરોધ પ્રદર્શન કરીને સરકારના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન રાજકોટમાં પણ અનેક વિસ્તારના જંત્રી દરમાં વધારો સુચવવામાં આવતા હોબાળો થયો હતો. જયારે જંત્રી મામલે વાંધા સુચનો સ્વીકારવા માટે મહિનાની મુદત આપવામાં આવી હતી. આ દરમિયાન રાજયભરમાંથી અનેક વાંધા સુચનો રજૂ કરવામાં આવ્યા હતા.
કલેકટરે આપી માહિતી
જો કે એક તરફ રાજ્યમાં જંત્રી દરમાં વધારો સૂચવવામાં આવતા થઈ રહેલા વિરોધની વચ્ચે રાજકોટ શહેરના 90 વિસ્તારોમાં જંત્રી દર વધારવા માટે કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેકટરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના 90 વિસ્તારોમાં જંત્રી દર વધારવા માટે માગણી આવી છે અને આ અંગે સમીક્ષા કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે.
આ પણ વાંચો : ગુજરાતનું લાગ્યું ઘેલુંઃ બે વર્ષમાં 35 કરોડથી વધુ પ્રવાસીએ લીધી રાજ્યની મુલાકાત
492 ઓફલાઇન વાંધા અરજી મળી
જંત્રી મામલે વાંધા સુચનો સ્વીકારવા માટે 20મી સુધીમાં રાજકોટમાં 165 ઓફલાઇન વાંધા અરજી અને 298 ઓનલાઇન વાંધા અરજી તથા રાજકોટ રૂરલ વિસ્તારમાં 327 ઓફલાઇન વાંધા અરજી અને 285 ઓનલાઇન વાંધા અરજી મળીને કુલ 910 વાંધા અરજી નવી જંત્રીને લાગુ કરવાના વિરોધમાં મળી છે. જેમાંથી 492 ઓફલાઇન વાંધા અરજી મળી છે તેની ઓનલાઇન ડેટા એન્ટ્રીની કામગીરી હાલ ચાલુ છે.