પ્રેમ લગ્નમાં પાટીદાર સમાજની દીકરીઓને વધુ ટાર્ગેટ કરવામાં આવે છેઃ મનોજ પનારા | મુંબઈ સમાચાર
રાજકોટ

પ્રેમ લગ્નમાં પાટીદાર સમાજની દીકરીઓને વધુ ટાર્ગેટ કરવામાં આવે છેઃ મનોજ પનારા

રાજકોટ: જસદણમાં પ્રેમલગ્નના કાયદામાં ફેરફારની માંગ સાથે પાટીદાર સમાજે ભવ્ય રેલી કાઢી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો હાથમાં વિવિધ બેનરો લઈને જોડાયા હતા. જસદણના વિવિધ વિસ્તારોમાં આ રેલી ફરી હતી. સેવાસદન બહાર પાટીદાર સમાજના આગેવાનોએ રેલીને સંબોધી હતી.

આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરવાનો હતો. આ રેલીમાં મનોજ પનારા, વરૂણ પટેલ સહિતના પાટીદાર સમાજના આગેવાનો જોડાયા હતા. મનોજ પનારાએ જણાવ્યું કે, કેટલાક વકીલો અને દલાલો, લાખ રૂપિયામાં દીકરીઓની હાજરી વિના માત્ર ડોક્યુમેન્ટ પરથી લગ્ન કરી આપે છે.

આપણ વાંચો: સર્વ સમાજ એક થયો, મહેસાણામાં પ્રેમલગ્નના કાયદામાં ફેરફારની માગ સાથે નીકળી વિશાલ રેલી

મનોજ પનારાએ નિવેદન આપ્યું હતું કે,પ્રેમ લગ્નમાં વધુમાં વધુ પાટીદાર સમાજની દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે. પાટીદાર સમાજ ભોળો છે એટલે તેમને ટાર્ગેટ કરવામાં આવે છે.

અન્ય કેટલાક શક્તિશાળી સમાજની દીકરીઓ સામે લુખ્ખા લફંગા આંખ ઊંચી કરીને જોતા નથી. કેમ કે તેમને ત્યાં ખબર છે કે અહીંયા ટાંટિયા ભાગી જશે. કેટલાક વકીલો, કેટલાક દલાલો, લાખ રૂપિયામાં આવા લગ્ન કરી આપે છે જેથી દીકરીઓ ત્યાં જાય કે ન જાય તેમના ડોક્યુમેન્ટ પહોંચી જાય એટલે લગ્ન થઈ જાય છે..

આપણ વાંચો: કેશોદના રંગપુર ગામે પ્રેમલગ્ન કરનાર યુવક પર યુવતીના પરિવાર દ્વારા જીવલેણ હુમલો…

વરૂણ પટેલે કહ્યું, જ્યારે જ્યારે સરદારના નારા સાથે પાટીદારો માંગણી માટે નીકળ્યા છીએ, ત્યારે ત્યારે તેમાં માંગણી પૂરી થઈ છે. ફરી એક વખત પાટીદારો સર્વ સમાજની પીડા આપવા માટે ભેગા થઈને નીકળી રહ્યા છીએ. આપણી પટેલની વાડીએ જો કોઈ પાવડો લઈને ચાહ વાળવા નીકળે તો તેને પાડી દઈએ છીએ. ત્યારે દીકરી એ આપણી સંપત્તિ છે, માટે આવારા તત્ત્વો આપણી દીકરીને ફસાવે છે તેના વિરુદ્ધની આ લડાઈ છે.

પાટીદાર સમાજે પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવે, લગ્ન નોંધણી દીકરીના રહેણાંક વિસ્તારમાં જ કરવામાં આવે, લગ્ન નોંધણીની જાણ માતા-પિતાને 45 દિવસ અગાઉથી નોટિસથી કરવામાં આવે, સાક્ષી પક્ષ પણ એ જ વિસ્તારના હોવા જોઈએ તેવી માંગ કરી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button