રાજકોટમાં ફરી પેંડા ગેંગે આતંક મચાવ્યો, મીડિયા સેલના પ્રમુખની કારને ચાંપી આગ

રાજકોટઃ શહેરમાં પેંડા ગેંગે ફરી એક વખત આતંક મચાવ્યો હતો. રાજકોટના વોર્ડ નં 12 ના મીડિયા સેલના પ્રમુખ મયૂર સિંધવ નામના યુવકની કારને પેંડા ગેંગના સાગરીતે આગ ચાંપી હતી. યસ ઉર્ફે થોંડી રસિકભાઈ બકરાણીયા નામના યુવકે કારમાં રાતના સમયે આગ લગાવી હતી. શહેરના મોવડી વિસ્તારમાં લુખ્ખાગીરીનો આદત ધરાવે છે.
પેંડા ગેંગના યશ બકરાણીયા નામનો યુવકે અંગત અદાવતને કારણે આગ લગાવી હોવાનું જાણવા મળ્યું છે. પેંડા ગેંગના સાગરિત યશ બકરાણીયા દ્વારા કાર ઉપર લગાવેલી આગની સમગ્ર ઘટના cctv કેમેરામાં કેદ થઈ હતી. રાજકોટમાં ફરી પેંડા ગેંગના સાગરીતે સક્રિય થતા રાજકોટની જાંબાઝ પોલીસ ઉપર સવાલો ઉઠ્યા હતા.
નવેમ્બર 2025માં રાજકોટના મંગળા રોડ પર થયેલ ફાયરિંગ કેસમાં ઝડપાયેલ આરોપી રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત 17 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. પેંડા ગેંગ ઉપર છેલ્લા 10 વર્ષમાં 71 ગુના નોંધાઈ ચુક્યા છે, જેમાં હત્યા, હત્યાની કોશિશ, બળાત્કાર, આર્મ્સ એક્ટ, રાયોટીંગ સહીત ગુના નોંધાઈ ચુક્યા છે.
પેંડા ગેંગ કેવી રીતે પડ્યું નામ?
આ ગેંગનું નામ શક્તિ ઉર્ફે પેંડાના નામે પાડવામાં આવ્યું હતું. શક્તિના મોત પછી તેના સાગરિતો એકઠા થયા હતા અને ગેંગ બનાવવાનું શરૂ કર્યું હતું. એક બાદ એક લોકો ગેંગમાં જોડાતા ગયા અને જોતજોતામાં ગેંગમાં સામેલ લોકોની સંખ્યા 17 સુધી પહોંચી ગઈ હતી. જો કે આ પછી ગેંગનું નામ પાડવાનો સમય આવ્યો ત્યારે તમામે તેના મોત પામેલા મિત્ર શક્તિ ઉર્ફે પેંડાનું નામ ગેંગને આપવું જોઈએ તેવું નક્કી કરીને ગેંગને ‘પેંડાગેંગ’ નામ આપ્યું હતું.



