પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત ભજનસમ્રાટ નારાયણસ્વામી માધ્યમિક શાળાનું લોકાર્પણ
સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના કમાલપુર ગામમાં તા.૨૪/૧૦/૨૪ ના રોજ જાણીતા હાસ્યકલાકાર લેખક અને દાનવીર પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત શ્રી ભજનસમ્રાટ નારાયણસ્વામી માધ્યમિક શાળાનું ભવ્ય ઉદઘાટન થયું.
આ ઉદઘાટન સોનલધામ મઢડાનાં પ.પૂ. ગિરીશઆપા મોડ તેમજ નારાયણસ્વામી આશ્રમ – જૂનાગઢના પૂજય નવલબામાઁ તથા નારાયણ સ્વામીના પૂર્વાશ્રમના ધર્મપત્ની પૂજય નાથુબામાઁના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત આ બારમી સરકારી શાળા હતી જેના ઉદધાટનમાં નારાયણ સ્વામીના બન્ને સુપુત્રો હરેશદાન ગઢવી તથા હીતેષદાન ગઢવી તેમજ બે ભાગવત કથાકારો પૂજય અશ્વિનકુમાર શાસ્ત્રી તથા પૂજય રાજેન્દ્રપ્રસાદજી શાસ્ત્રી, પદ્મશ્રી શાહબુદીન રાઠોડ , પદ્મશ્રી ભીખુદાન ગઢવી, સાંઈરામ દવે,મિલન ત્રિવેદી, અમુદાન ગઢવી, જીતુભાઈ દ્રારકાવાળા, ચંદ્રેશ ગઢવી સહીત ઘણાં નાના-મોટા કલાકારો તેમજ નારાયણ સ્વામીના ચાહકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સાંઈરામ દવેના પિતાજી અને સંતવાણીના જૂના આરાધક શ્રી વિષ્ણુપ્રસાદ દવેનું લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
સુરતના ગેમઝોન ખૂલશે, પણ રાજકોટના શું?
જગદીશ ત્રિવેદી દ્રારા પદ્મશ્રી શાહબુદીન રાઠોડ પ્રાથમિક શાળા – કાબરણ,
પદ્મશ્રી ભીખુદાન ગઢવી પ્રાથમિક શાળા – જૂનાગઢ,
લોકવાર્તાકાર કાનજી ભુટા બારોટ બોર્ડીંગ – અમરેલી બાદ આ કોઈ કલાકારના નામે બનેલી ચોથી સંસ્થા છે.
ભવિષ્યમાં જગદીશ ત્રિવેદી કોઈ સાજીંદાના નામની પણ એક સરકારી શાળા બનાવવાનું વિચારી રહ્યા છે. આ શાળા સાથે એમનું વ્યક્તિગત દાન ૧૨.૭૫ કરોડને પાર કરી ગયું છે.