ઓપરેશન સિંદૂરથી લઈને અનોખી થીમ્સ: રાજકોટમાં રંગોળી કાર્નિવલ બન્યો આકર્ષણનું કેન્દ્ર!

રાજકોટ: શહેરની આગવી ઓળખ સમાન દિવાળીના તહેવારને વધુ ભવ્ય બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા દિવાળી કાર્નિવલનો ધમાકેદાર પ્રારંભ થયો હતો. રાજકોટ શહેરના હાર્દ સમાન રેસકોર્સ રિંગ રોડને આ વર્ષે દિવાળી નિમિત્તે રંગોળી નગરીમાં પરિવર્તિત કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા ચિત્રનગરી ટ્રસ્ટ સાથે મળીને સતત આઠમી વખત આ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 1000 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
500થી વધુ રંગબેરંગી રંગોળીઓ આકર્ષણનું કેન્દ્ર
કલાકારો અને રાજકોટની જનતાએ મળીને 500થી વધુ રંગબેરંગી રંગોળીઓ બનાવીને સમગ્ર વાતાવરણને રંગીન બનાવી દીધું હતું. રેસકોર્સ રિંગ રોડ ફરતે પથરાયેલી આ રંગોળીઓએ ખરા અર્થમાં રાજકોટનું આંગણું સજાવ્યું હતું. સ્પર્ધામાં તૈયાર થયેલી રંગોળીઓમાં સમકાલીન વિષયો અને પરંપરાગત કલાનું અદભુત મિશ્રણ જોવા મળ્યું હતું.

જેમાંથી કેટલીક રંગોળીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઓપરેશન સિંદૂર, ફિલ્મ ‘છાવા’નું પોસ્ટર, ભારત માતાના દર્શન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાધાકૃષ્ણ અને હનુમાનજીના સુંદર ચિત્રો, ‘મેરા નામ જોકર’ ફેમ રાજ કપૂરનું આબેહૂબ પોસ્ટર વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ક્યારથી શરૂ થયો કાર્નિવલ
ઉલ્લેખનીય છે મનપા આયોજિત આ દિવાળી કાર્નિવલનો પ્રારંભ ગુરુવાર, 16 ઓક્ટોબરથી થયો હતો અને આ રંગોળી સ્પર્ધા શુક્રવારે યોજાઈ હતી.