
રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક માર્કેટિંગ યાર્ડમાં આયાત થઈ રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં પણ ખૂલતી બજાર સાથે 50 લાખ ડુંગળીની આવક થતાની સાથે જ ભાવમાં પણ જબરો કડાકો જોવા મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી, મગફળી સહિત અન્ય વસ્તુઓની મોટા પાયે આવક થઈ રહી છે. જેને લઈને રોડ પર ટ્રક-ટ્રેક્ટરની લાંબી કતારો જોવા મળી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં ખ્યાતિકાંડ બાદ PMJAY યોજનાની હોસ્પિટલો માટે નવી SOP જાહેર

ડુંગળીની આવક બંધ
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ માર્કેટ પાર્ડમાં આજે સવારે ખૂલતી બજારે માર્કેટિંગ યાર્ડમાં લગભગ 50 લાખ કિલો ડુંગળીની આવક થઈ હતી અને આ સાથે જ ભાવમાં જબરો કડાકો બોલાઈ ગયો હતો. રાજકોટમાં એક મણની કિંમત 100થી 500 જેટલી બોલાઈ હતી. આથી જયાં સુધી ઉપલબ્ધ જથ્થાનો નિકાલ થાય નહીં ત્યાં સુધી કાંદાની આવક બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
કિલોમીટર સુધી લાંબી લાઈનો
સરકાર દ્વારા ટેકાના ભાવે વિવિધ જણસીઓની ખરીદી કરવામાં આવી રહી છે. જેને પગલે સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી, કપાસ અને ડુંગળી સહિત જણસીઓ ભરીને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા. જણસીઓથી ભરેલા વાહનોની કિલોમીટરો લાંબી લાઈનો જોવા મળી હતી. આજે અહીંની ખરીદીમાં મગફળીની 75,000 ગુણી અને ડુંગળીની આવક 1,00,000 કટાની નોંધાઈ હતી.
આ પણ વાંચો : ક્ષત્રિય મહાસંમેલનમાં રાજ શેખાવતે સરકારને પડકાર ફેંક્યો; વિધાનસભા તરફ કૂચ કરવાની ચિમકી આપી…
મહુવામાં કાંદાએ ખેડૂતોને રડાવ્યા
ડુંગળીના ઉત્પાદનમાં મોખરે રહેતા ભાવનગરના મહુવામાં પણ ડુંગળીની આવક થઈ રહી છે પરંતુ ભાવમાં કડાકો બોલી જતાં ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 45,000 થેલી લાલ ડુંગળીનું હરાજી દરમિયાન વેચાણ થયું છે. જેમાં ખેડૂતને 20 કિલોના 125 રૂપિયા એટલે ખેડૂતને પ્રતિ એક કિલોના છ રૂપિયા ભાવ મળ્યો છે. આ સાથે જ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 25,611 લાલ ડુંગળીનું વેચાણ થયું છે જેમાં ખેડૂતને પ્રતિ કિલોના સાડા સાત રૂપિયા મળ્યા છે.