
રાજકોટઃ માત્ર રાજકોટ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં વિખ્યાત ‘લોકમેળા’ની મુદ્દે મેળામાં અવરોધ આવવાના અહેવાલ વચ્ચે સૌથી મોટા સમાચાર જાણવા મળ્યા છે. હવે રાઈડ્સની એસઓપી (સ્ટાન્ડર્ડ પ્રોસિજર)માં છૂટછાટ આપવા મામલે રાઈડ્સ-સંચાલકો દ્વારા સાંસદ પુરુષોત્તમ રૂપાલાને મળીને રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે સાંસદ રૂપાલાએ તેઓ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરશે તેવી હૈયાધારણા આપી હતી.
લોકમેળાની એસ. ઓ. પી. અને રાઈડ્સના આકરા નિયમોના કારણે રાજકોટનો લોકમેળો ચગડોળે ચડયો છે. લોકમેળાના સ્ટોલ અને રાઈડસ માટે વેપારીઓએ હજુ પુરતા ફોર્મ ભરીને જમા કરાવ્યા નથી. 238 સ્ટોલ સામે માત્ર 24 ફોર્મ જ ભરાઈને સબમીટ થયા છે. રાઈડસ સંચાલકોની સાથે વેપારીઓમાં પણ લોકમેળાની એસ.ઓ.પી. સામે નારાજગી હોય પુરતી સંખ્યામાં ફોર્મ આવ્યા નથી.
આ પણ વાંચો: રાજકોટના લોકમેળા પર સંકટ: રાઇડ્સ અને સ્ટોલ માટે ઓછો પ્રતિસાદ, SOPમાં બાંધછોડનો પ્રશ્ન…
બીજી તરફ રાઈડસ સંચાલકોએ પણ અગાઉ એસ.ઓ.પી.માં છૂટછાટ મળે તો જ મેળામાં તેઓ ભાગ લેશે તેવું અગાઉથી જાહેર કરી દીધુ હતું અને આ અંગે અગાઉ મુખ્ય પ્રધાન અને કલેકટરને પણ તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળામાં રાઇડસ સંચાલકો ભાગ નહીં લે તો પણ લોકમેળાની મોજ નહીં ઘટે તેના માટે જિલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશ દ્વારા પ્લાન-બી તૈયાર કરવામાં આવ્યો હતો. આ અંગે કલેકટર ડો. ઓમપ્રકાશે જણાવ્યું હતું કે આ લોકમેળા માટે રાજય સરકારની એસઓપીમાં કોઇ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.
લોકમેળાની મોટી રાઇડસ માટે લાઈસન્સ સહિતની મંજૂરી આપવાની જવાબદારી પોલીસ કમિશ્નરની છે. મેળામાં રાજય સરકારની એસઓપીનું ચુસ્તપણે પાલન થાય તે અતિ આવશ્યક છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા આ લોકમેળામાં પ્રતિ વર્ષ લાખો લોકો રંગત માણી રહ્યા હોય, લોકોની સુરક્ષાનો પ્રશ્ન છે. લોકમેળાના ફોર્મની મુદતમાં પણ હવે કોઇ પણ જાતનો વધારો કરવામાં આવશે નહીં તેવું પણ કલેકટર ઓમપ્રકાશે સ્પષ્ટપણે જણાવ્યું હતું.