વીરપુર પોલીસનો સપાટો: ઓક્સિજન ટેન્કરમાંથી ₹1 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

રાજકોટઃ વીરપુર પોલીસે કાગવડ પાસે એક મોટી કાર્યવાહી કરીને રેલવે ઓવરબ્રિજ નીચેથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઓક્સિજન ગેસ લિક્વિડ ટેન્કરમાં ચોરખાનું બનાવીને દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
700થી વધુ વિદેશી દારૂની પેટીઓ જપ્ત
પોલીસે ઘટનાસ્થળેથી 700થી વધુ વિદેશી દારૂની પેટીઓ જપ્ત કરી હતી. જેની બજાર કિંમત આશરે 1 કરોડ રૂપિયાથી વધુ હતી. પોલીસે દારૂ ઉપરાંત, ત્રણ બોલેરો ગાડીઓ અને એક ટેન્કર પણ કબજે કર્યું હતું. આ દરોડાને વીરપુર પોલીસની મોટી સફળતા માનવામાં આવે છે.
આપણ વાંચો: સુરેન્દ્રનગરના થાનગઢમાં 1.35 કરોડના દારૂ આઠ બૂટલેગર પકડાયાઃ પાંચ પોલીસ સસ્પેન્ડ!
બુટલેગરો થઈ ગયા ફરાર
જોકે, પોલીસના દરોડા સમયે બુટલેગરો અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. હાલમાં, વીરપુર પોલીસે ફરાર થયેલા આરોપીઓને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી હતી. આટલો મોટો દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી.