રાજકોટમાં 31 ડિસેમ્બરની પાર્ટી માટે નવરાત્રિ જેવા નિયમોનું કરવું પડશે પાલન…

રાજકોટઃ 1 ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટમાં આ દિવસે પાર્ટીનું આયોજન કરવા માંગતા આયોજકો માટે ફાયર, વીજ કંપનીનું એનઓસી, વીમો ફરજિયાત કરવામાં આવ્યા હતા. રાજ્કોટમાં 100 સ્થળે થર્ટી ફર્સ્ટનું આયોજન થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં બનેલી ગેમ ઝોન અગ્નિકાંડ ઘટના બાદ આ ફેંસલો લેવામાં આવ્યો હતો.
આ વખતે નિરીક્ષણ ટીમ તપાસ કર્યા બાદ જ એનઓસી આપશે. પાર્ટી પ્લોટ, લોન, ફાર્મ હાઉસમાં ડાન્સ પાર્ટી યોજવા આયોજકોએ ટેમ્પરરી એનઓસી લેવી પડશે. જેમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે એક અઠવાડિયાની ટેમ્પરરી એનઓસી અપાશે. જેમાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પરીક્ષણ કરશે.
મોટાભાગની જગ્યાએ પ્રિ-ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકોનું કહેવું છે. જ્યારે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, ક્રિસમને ધ્યાનમાં રાખીને પોલીસે નાકાબંધી પોઈન્ટ, પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને કોમ્બિંગ વધાર્યું છે. 31મીએ સાંજથી જ શહેર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, બોમ્બ અને ડોગ સ્કવોડ, ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ સહિત 6 હજારથી વધુ પોલીસ અધિકારી-કર્મચારી બંદોબસ્તમાં રહેશે. આ સિવાય રોમિયોને પકડવા માટે ડાન્સ પાર્ટીના સ્થળે શી ટીમ હાજર રહેશે.
આ પણ વાંચો : ગુજરાત-જાપાન પાર્ટનરશીપ ડે અંતર્ગત થયા પાંચ જેટલા કરાર
આયોજક એટલે કે અરજદારનું આધારકાર્ડ, જે જગ્યાએ ડાન્સ પાર્ટી યોજવામાં આવી હોય તે જગ્યાના માલિકનું સંમતિપત્ર, જગ્યા આયોજકની માલિકીની હોય તો માલિકીનો પૂરાવો, ડાન્સ પાર્ટીમાં પરફોમન્સ કરનાર આર્ટિસ્ટનું સમંતિપત્ર, ડાન્સ પાર્ટીની જગ્યાનું સંપૂર્ણ સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ થાય તેવી વ્યવસ્થા, ડાન્સ પાર્ટીમાં આવનારા લોકોની સુરક્ષા માટે પૂરતા પ્રમાણમાં સ્ત્રી – પુરુષ સિકયોરિટી ગાર્ડ તેમજ મેટલ ડિટેક્ટર, એન્ટ્રી માટે પાસની વ્યવસ્થા કરવાની રહેશે તેમજ એન્ટ્રી-એક્ઝિટ અલગ રાખવા પડશે.
આ ઉપરાંત ડાન્સ પાર્ટીની જગ્યા સરકારની માલિકીની હોય તો તેના મંજૂરી પત્ર અને ભાડું ભર્યાની પહોંચની પ્રમાણિત નકલ, ખુલ્લી જગ્યામાં હંગામી ટેન્ટ, સ્ટેજ બનાવવામાં આવ્યો હોય તો પીડબલ્યુડીની એનઓસી લેવી પડશે. તેમજ વીજળી જોડાણ અંગે સરકાર માન્ય કોન્ટ્રાકટરનું પ્રમાણપત્ર, ફાયર ડિપાર્ટમેન્ટની એનઓસી, વીમા પોલીસી જેવા નવરાત્રિમાં બનાવેલા નિયમોનું પાલન કરવુ પડશે.