રાજકોટમાં દારૂ પીને ન આવવા ટકોર કરતાં ખૂની ખેલ! ધોકા અને પાઇપથી હુમલો, કારમાં તોડફોડ

રાજકોટ: શહેરના રૈયાધાર વિસ્તારમાં મોડી રાતના ભારે હોબાળો મચી ગયો હતો, જેમાં શહેરના રાણીમા રુડીમાં ચોક ખાતે કુખ્યાત ગેંગના સભ્યોએ ભેગા મળી ને ત્રણથી ચાર જેટલા લોકો પર ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. દારૂ પીને નવરાત્રીમાં ન અવાય તેવા ઠપકાનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ અંગે મળતી વિગતો અનુસાર, આકલો ઉર્ફે આકાશ જીવાભાઈ વારગીયા નવરાત્રીમાં આઠમના દિવસે દારૂ પીને આવ્યો હતો અને આથી તેને ફરિયાદીએ સમજાવ્યો હતો કે અહી દારૂ પીને ન આવી શકાય. આ ઠપકાનો ખાર રાખીને હાડો ઉર્ફે ભવદિપ પરેશભાઈ ડાભી, પીયુષ પરેશભાઈ ડાભી, લાંલજી ઉર્ફે લાલો પોપટભાઇ રાઠોડ, વનરાજ ઉર્ફે વનો બારોટ, બંટી પ્રતાપભાઈ સોલંકી, આકલો ઉર્ફે આકાશ જીવાભાઈ વારગીયા, કમલેશ ઉફે કમો તેમજ અન્ય આઠથી દસ અજાણ્યા શખ્સોએ ફરિયાદી પર હુમલો કર્યો હતો.

અડધી રાતે થયેલી આ બબાલમાં આરોપીઓએ સમગ્ર વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. ફરિયાદી, મહિલાઓ તેમજ ગાડીઓને નુકસાન પહોંચાડી સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ લોખંડના પાઇપ, લાકડાના ધોકા તેમજ પથ્થરના ઘા ઝીંકી લોકોને ઇજાઓ પહોંચાડી હતી. તે ઉપરાંત આ લોકોએ સ્વિફ્ટ કારમાં પાનમ તોડફોડ કરી હતી, આ બનાવ બાદ ફરિયાદી મુન્નાભાઈ સિંધાભાઈ વરુ (રહે. રામાપીર ચોકડી, રાજકોટ)એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા(૨૦૨૩) ની કલમ – ૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨, ૩૨૪(૪), ૧૯૧(૨), ૧૯૦, તથા જી .પી. એક્ટ સહિતની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો…રાજકોટમાં નકલી સેક્સ પાવર બૂસ્ટર વેચવાનું કોલ સેન્ટર ઝડપાયું, ડોક્ટર બનીને ૪,૦૦૦ લોકો સાથે ઠગાઈ