રાજકોટની મહિલાનો હત્યારો પતિ નીકળ્યો, ઘરકંકાસથી કંટાળી પગલું ભર્યાની કબૂલાત

રાજકોટ: રાજકોટમાં ત્રણ દિવસ પહેલા કોપર ગ્રીન સોસાયટી પાસે આવેલી વેરાન જગ્યામાં એક 33 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્નેહા આસોડિયા નામની આ 33 વર્ષીય મહિલાનાં પતિ હિતેષે તે સમયે જણાવ્યું હતું કે પત્ની ઘરેથી પાણીપુરી ખાવા જવાનું કહીને નીકળી હતી, પરંતુ પરત આવી ન હતી. આ મૃતદેહ મળ્યા બાદ રાજકોટ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. હવે આ હત્યાના આરોપી વિશે પોલીસે ખુલાસો કરતા જણાવ્યું હતું કે મહિલાનો હત્યારો તેનો પતિ હિતેષ જ છે. હિતેષે ઘરકંકાસથી કંટાળી પત્નીની હત્યા કરવાની કબૂલાત કરી હોવાનું પણ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર સ્નેહા અને હિતેષના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેમને એક પુત્ર પણ છે. બન્ને વચ્ચે લગ્નની શરૂઆતના મહિનાઓથી જ મનમેળ ન હતો અને ઝગડા ચાલતા હતા. હિતેષના આરોપો અનુસાર સ્નેહા તેના પર સતત શક કરતી, તેને સતત ફોન અને વીડિયોકોલ કરતી, તેમ જ નાની નાની બાબતોએ અપમાનિત પણ કરતી હતી. આ સાથે તેમના પુત્રનું પણ ધ્યાન રાખતી ન હતી જેથી હિતેષ રોજ તેમના પુત્રને તેના માતા-પિતાના ઘરે મૂકી આવતો અને કામથી આવતા સમયે પરત લાવતો હતો.
આ બધાથી કંટાળી લુહારકામ કરતા હિતેષે ઘટનાના દિવસે પોતાની સાથે એક લોઢાનો સળિયો લીધો હતો અને પત્નીને તેની સાથે બહાર જમવા આવવા કહ્યું હતું. પોતાના ઘરથી 200 મીટર દૂર જઈ એક અવાવરૂં જગ્યાએ સ્કૂટી રોકી તે ફ્રેશ થવાના બહાને ઉતર્યો હતો અને લોખંડના સળિયાથી પત્નીને માથાના પાછળના ભાગે અને ચહેરા પર ઘા મારી પતાવી દીધી હતી. જોકે તેના સ્કૂટી પર અને કપડા પર લોહીના ડાઘ રહી ગયા હતા, તેની મદદથી પોલીસે તેને શકના દાયરામાં લઈ પૂછપરછ કરતા અંતે તેણે ગુનો કબૂલ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આપણ વાંચો: રેલવેના બ્લોકને કારણે ગુજરાતમાં ત્રણ દિવસ માટે આ ટ્રેનોને થશે અસર, જાણી લો યાદી



