મુંબઈના શખ્સે રાજકોટના જ્વેલર્સ પાસેથી 33 લાખનું સોનું ખરીદી 13 લાખની ઠગાઈ આચરી, આ રીતે ફૂટ્યો ભાંડો…
Latest Rajkot News: ગુજરાતમાં છેતરપિંડીના બનાવો વધી રહ્યાં છે. મુંબઈના શખ્સે રાજકોટના એક જ્વેલર્સ પાસેથી 33 લાખનું સોનું ખરીદ્યું હતું. જેમાં 20 લાખ ચૂકવી દીધા બાદ 13 લાખ બાકી રાખ્યા હતાં. જ્વેલર્સે પૈસાની ઉઘરાણી કરતાં આ શખ્સ પોતાનો ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં સોના ચાંદીના વેપારી રમેશભાઈ રાધનપુરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટ સોની બજારમાં સોના-દાગીના લે વેચનું કામ કરે છે. ગત મે મહિનામાં મુંબઇમાં રહેતા વિનોદભાઈ શાહે તેમને ફોન કરીને કહ્યું હતું કે,તમે વોટ્સઅપ ગ્રુપમાં સોનાની જે ડીઝાઇન મુકી છે તેવી ડીઝાઇન મુંબઈમાં ચાલે છે તેનો ભાવ શું છે.
જેથી ફરિયાદીએ કહ્યું હતું કે, આ ડિઝાઈનનો એક તોલાનો ભાવ 47 હજાર ચાલે છે અને બધો વેપાર રોકડ વ્યવહારથી થાય છે. જેથી તમે રોકડ વ્યવહાર કરશો તો જ માલ આંગડિયા દ્વારા મોકલી આપીશું.
આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લાના વિભાજન પર ગેનીબેનની પ્રતિક્રિયા; નિર્ણયને ગણાવ્યો એકતરફી…
તેમણે મુંબઈના વિનોદ શાહે મીલ ગોલ્ડ ઓર્નામેન્ટનો 46.560 ગ્રામ રૂ.2,19,977 માલ આંગડિયા મારફતે મોકલ્યો હતો. ત્યાર બાદ પૈસાની માંગણી કરતા તેઓએ જણાવ્યું કે, એક સાથે પૈસા આપી દઈશુ અને ત્યાર બાદ બીજો માલ આપ્યો હતો. આમ કુલ 33 લાખની કિંમતનો માલ આપ્યો હતો.
વિનોદ શાહે તેમને થોડાક પૈસા આપતાં વિશ્વાસ બેઠો હતો અને વારંવાર માલની આપ લે થતી હતી. વિનોદ શાહે ફરિયાદીને 20.52 લાખ મોકલાવ્યા હતાં. પરંતુ બાકી રહેતાં રૂ. 13,09,971 નહોતા આપ્યા.
જેથી ફરિયાદીએ બાકી રહેતા રૂપિયાની ઉઘરાણી કરતા વિનોદ શાહ ગલ્લાતલ્લા કરતો હતો. તેણે પોતાનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દેતા ફરિયાદીને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની શંકા થઈ હતી. ત્યાર બાદ મુંબઈ જઈ તપાસ કરતા વિનોદ શાહ ત્યાં રહેતા નહીં હોવાનું જાણવા મળતાં તેની સામે રાજકોટમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે રાજકોટ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.