હવે ગુજરાતીમાં ચાલશે AI: જિયો લાવશે સામાન્ય માણસને પરવડે તેવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…

રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાતના આર્થિક અને ટેકનોલોજીકલ પરિવર્તન માટે પાંચ મોટી જાહેરાતો કરી હતી. પોતાના સંબોધનની શરૂઆત “જય સોમનાથ” સાથે કરતા અંબાણીએ સૌરાષ્ટ્ર સાથેના તેમના પારિવારિક સંબંધોને યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે તેમના પિતા ધીરુભાઈ અંબાણી સૌરાષ્ટ્રના ચોરવાડના પુત્ર હતા. તેમણે રાજકોટમાં આયોજિત આ સમિટને સૌરાષ્ટ્ર અને કચ્છના વિકાસ માટે ‘ફોર્સ મલ્ટિપ્લાયર’ ગણાવી હતી.
રિલાયન્સ ગુજરાતમાં પોતાનું રોકાણ બમણું કરશે
મુકેશ અંબાણીએ સૌથી મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, રિલાયન્સ આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં પોતાનું રોકાણ બમણું કરીને રૂ. ૭ લાખ કરોડ કરશે. આ રોકાણ દ્વારા રાજ્યમાં રોજગારીની લાખો તકો ઉભી થશે. આ ઉપરાંત, જામનગરને વિશ્વનું સૌથી મોટું ઇન્ટિગ્રેટેડ ક્લીન એનર્જી ઇકોસિસ્ટમ બનાવવાની નેમ વ્યક્ત કરી છે, જ્યાં સોલર એનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને બેટરી સ્ટોરેજ જેવા ક્ષેત્રોમાં કામ થશે. કચ્છમાં પણ મલ્ટી-ગીગાવોટ સ્કેલના સોલર પ્રોજેક્ટ્સ દ્વારા ગુજરાતને ગ્રીન એનર્જીનું વૈશ્વિક હબ બનાવવામાં આવશે.

ટેકનોલોજીના ક્ષેત્રમાં ગુજરાતને દેશનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાવરહાઉસ બનાવવા માટે જામનગરમાં ભારતનું સૌથી મોટું AI-રેડી ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી. જિયો દ્વારા એક એવું AI પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવશે જે સામાન્ય નાગરિકોને તેમની પોતાની ભાષામાં પરવડે તેવા દરે AI સેવાઓ પૂરી પાડશે. આ પહેલનો પ્રારંભ ગુજરાતથી કરવામાં આવશે, જે નાગરિકોની કાર્યક્ષમતામાં વધારો કરશે.
સામાજિક જવાબદારીના ભાગરૂપે, રિલાયન્સ ફાઉન્ડેશન વર્ષ ૨૦૩૬માં અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરશે. અંબાણીએ જામનગરમાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવવાની અને શિક્ષણ ક્ષેત્રે મોટા વિસ્તરણની પણ જાહેરાત કરી હતી. સંબોધનના અંતે તેમણે કહ્યું હતું કે, “ગુજરાત એ રિલાયન્સનું શરીર, હૃદય અને આત્મા છે,” અને રિલાયન્સ હંમેશા એક ગુજરાતી કંપની તરીકે રાષ્ટ્રની સેવામાં સમર્પિત રહેશે.



