રાજકોટમાં મેકડોનાલ્ડ્સની બેદરકારી, વેજના બદલે નોનવેજ બર્ગર ધાબડી દીધા…
રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વખતે ઘટના બની

રાજકોટઃ શહેરના રિલાયન્સ મોલમાં આવેલા મેકડોનાલ્ડ્સમાં એક ખૂબ જ ગંભીર બેદરકારી સામે આવી હતી. જેમાં ગ્રાહકને વેજ બર્ગરને બદલે નોન-વેજ બર્ગર આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, વૈષ્ણવ ગ્રાહકના પરિવારના એક સભ્યએ ભૂલથી નોન-વેજ બર્ગર ખાધું હતું. બાદમાં, જ્યારે તેમને આ વાતની જાણ થઈ, ત્યારે તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી. મેકડોનાલ્ડના અધિકારીએ આ અંગે ગ્રાહક અને જનતાની માફી માંગી હતી.
Also read : સૌરાષ્ટ્રના સૌપ્રથમ ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું કર્યું ઉદ્ધાટન
રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ હતી ત્યારે કેવલ વિરાણી નામના એક યુવકે સ્વિગી ડિલિવરી એપ દ્વારા મેકડોનાલ્ડ્સમાંથી તેના પરિવાર માટે 6 વેજ બર્ગર મંગાવ્યા હતા. જેમાંથી પાર્સલમાંથી 4 વેજ અને 2 નોન-વેજ બર્ગર નીકળ્યા હતા. પરિવારના એક સભ્યએ ભૂલથી નોન-વેજ બર્ગર ખાધું હતું. મેકડોનાલ્ડ્સની આ ભૂલથી વૈષ્ણવ ધર્મ પાળતા પરિવારના એક સભ્યને એવું લાગ્યું કે તેનો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો છે.
પીડિત ગ્રાહકે આ અંગે ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. તેમના વકીલ અજયસિંહ ચૌહાણ મુજબ, આ એક ગંભીર બેદરકારી છે અને ફૂડ આઉટલેટે આ ભૂલ બદલ જવાબદારી લેવી જોઈએ. આ પ્રકારની ઘટનામાં કોઈ ભૂલ સ્વીકાર્ય નથી. કારણકે તેનાથી ન માત્ર કોઈની વ્યક્તિગત પસંદ પ્રભાવિત થાય છે પરંતુ તેમની ધાર્મિક ભાવનાને પણ ઠેસ પહોંચાડી શકે ચે. પરિવાર કાનૂની કાર્યવાહીની સાથે વળતરની પણ માંગ કરશે.
Also read : હવે રાજકોટમાં મેગા ડિમોલિશનઃ મોરબી રોડ ઉપર હટાવાયા અતિક્રમણો
આ ઘટનાને લઈ ફૂડ ચેનના પ્રતિનિધિએ જણાવ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી. વધારે પડતાં ઓર્ડરના કારણે આમ થયું હતું. વેજ અને નોન વેજ કિચન અલગ અલગ હતા. પરંતુ કોઈ માનવીય ભૂલના કારણે આમ થયું હતું. કંપનીએ તપાસ મામલે સમિતિની રચના કરી છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખશે.