સાગઠિયાના પત્ની, પુત્ર અને ભાઈએ કરી આગોતરા જામીનની માંગ
રાજકોટ: અગ્નિકાંડ દુર્ઘટનામાં સંડોવાયેલ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તે જેલમાં બંધ છે. આરોપી સામે એસીબીએ અપ્રમાણસર મિલકતના કેસમાં સકંજો કસ્યો છે. જો કે આ દરમિયાન સાગઠિયાના પરિવારજનોએ આગોતરા જામીનની અરજી કરી છે. આથી આ કેસમાં તે લોકોની સંડોવણી હોવાની બુ આવી રહી છે.
આ પણ વાંચો: રક્ષાબંધનના પર્વે રાજકોટ જેલ ખાતે સર્જાયા ભાવુક દ્રશ્યો : સાગઠિયાની ચિઠ્ઠીએ સર્જ્યો વિવાદ
રાજકોટ શહેર ખાતે બનેલ ટી.આર.પી. ગેમઝોનની વિરુદ્ધ કાર્યવાહી ન કરવાના અને ફરજ પર બેદરકારી દાખવવાના મુદ્દે અગ્નિકાંડ દુર્ઘટનાની તપાસમાં તેની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તે રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે જેલના સળિયા પાછળ છે. આ દરમિયાન મનસુખ સાગઠિયાના પરિવારના સભ્યો દ્વારા આગોતરા જામીનની અરજી કરવામાં આવી છે. મનસુખ સાગઠિયાના પત્ની, પુત્ર અને ભાઈએ આગોતરા જામીન માંગ્યા છે. આ અરજી પર 21મીએ સુનાવણી થશે.
આરોપીના પરિવારજનોને અપ્રમાણસર મિલકતના કેસની તપાસ માટે બોલાવવામાં આવ્યા છે. આ પહેલા જ પરિવારજનો દ્વારા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી છે.
આ પણ વાંચો: સાગઠિયા બાદ રાજકોટ મનપાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા
મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખભાઈ સાગઠીયા વિરૂધ્ધ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતની તપાસ હાથ ઘરવામાં આવેલ હતી. તપાસ દરમિયાન વિવિધ પુરાવાઓ એકત્ર કર્યા બાદ તપાસના અંતે તમામ વિગતોનું એ.સી.બી. ના નાણાંકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવેલ હતું. સાગઠિયાએ પોતાની કાયદેસરની આવક રૂ.2 કરોડ 57 લાખ 17 હજાર 359ના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રોકાણ અને ખર્ચ રૂ.13 કરોડ 23 લાખ 33 હજાર 323 કરેલાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે.