રાજકોટમાં કાયદાનો ડર ઓગળ્યો? ધોળા દિવસે 6થી વધુ ઘા ઝીંકી મિત્રએ જ મિત્રની કરી કરપીણ હત્યા…

રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં અસામાજિક તત્વોના મનથી જાણે કાયદાનો ડર ઓસરી ગયો હોય તેમ શહેરમાં ધોળા દિવસે 45 વર્ષીય વ્યક્તિના શરીરના ભાગે છથી વધુ ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં હુમલાખોર અત્યંત નિર્દયતાથી હુમલો કરતો નજરે પડે છે. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી મહેશ જેઠવા સામેથી ચાલીને ગાંધીગ્રામ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો.
મળતી વિગતો અનુસાર, રાજકોટમાં ધોળા દિવસે હત્યાની સનસનાટીભર્યા ઘટના સામે આવી હતી, જેમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી છે. શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક સાંજના ચાર વાગ્યાના અરસામાં 43 વર્ષીય નિલેશ ટોકિયા નામના યુવક પર તેના જ મિત્ર મહેશ દિનેશભાઈ જેઠવાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આરોપીએ નિલેશને શરીરના ભાગે છથી વધુ ઘા ઝીંકી દેતા નિલેશ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં હુમલાખોર અત્યંત નિર્દયતાથી હુમલો કરતો નજરે પડે છે.
બનાવની જાણ થતા જ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ગંભીર ઈજાઓને કારણે નિલેશનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હત્યાની ગંભીરતાને જોતા ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ, એસીપી બી. જે. ચૌધરી અને પીઆઈ હરીપરા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક નિલેશ અંકુર નગરમાં રહેતો હતો અને ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલો હતો.
ચોંકાવનારી વાત એ છે કે, હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી મહેશ જેઠવા સામેથી ચાલીને પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. પોલીસ સમક્ષ તેણે કબૂલાત કરી હતી કે મેં જ મારા મિત્રની હત્યા કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હત્યા પાછળ કોઈ અંગત ખાર કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી અને હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા તપાસ તેજ કરી હતી. હાલમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપી મહેશ જેઠવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે ઇન્ક્વેસ્ટ પંચનામું અને પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી છે.



