મકરસંક્રાંતિ પર રાજકોટ અને જૂનાગઢમાં બે ગમખ્વાર અકસ્માતમાં બે માસૂમ બાળકો સહિત 3ના મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: મકરસંક્રાંતિના પર્વ દરમિયાન રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં સર્જાયેલા બે અલગ-અલગ માર્ગ અકસ્માતોમાં બે માસૂમ બાળકો સહિત કુલ 3 વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. રાજકોટ-મોરબી હાઈવે પર કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે બાળકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે જૂનાગઢ-વિસાવદર રોડ પર એક કાર ચબૂતરા સાથે અથડાતા પરિવારના મોભીનું મૃત્યુ થયું હતું. આ બંને કરુણ ઘટનાઓમાં કુલ 9 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા પરબની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી.
મળતી વિગતો અનુસાર, રાજકોટ-મોરબી હાઈવે પર મકરસંક્રાંતિની મોડી રાત્રે કાગડદી પાટિયા પાસે સ્કોર્પિયો કારએ આઈ ૨૦ કારને જોરદાર અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાછકપર બેડી ગામે રહેતો બાબરિયા પરિવાર વાંકાનેરથી પરત ફરી રહ્યો હતો ત્યારે સર્જાયેલા આ અકસ્માતમાં 3 વર્ષીય મોક્ષ બાબરિયા અને 9 વર્ષીય શ્રેયા મદરેસણિયા નામના બે માસિયાઈ ભાઈ-બહેનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. કારમાં સવાર અન્ય 4 સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાચો : મકરસંક્રાંતિ પર રાજકોટ અને જૂનાગઢમાં બે ગમખ્વાર અકસ્માતમાં બે માસૂમ બાળકો સહિત 3ના મોત
બીજી તરફ, 15 જાન્યુઆરીના રોજ જૂનાગઢથી વિસાવદર જઈ રહેલી એક કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર માર્ગની સાઈડમાં આવેલા ચબૂતરા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના 6 સભ્યો પૈકી 40 વર્ષીય કિશોરભાઈ ગઢવીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે બ્રિજેશભાઈ, વિષ્ણુભાઈ અને ગીતાબેન સહિત અન્ય પાંચ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ કારના પતરા ચીરી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા, જેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.



