જેતપુરમાં સ્થાનિકોએ વંદે ભારત ટ્રેનને રોકવાની કોશિશ કરી, જાણો શું છે કારણ

રાજકોટઃ જેતપુર શહેરમાં ધોરાજી રોડ પર ફ્લાયઓવર બ્રિજ બનવાના કારણે રેલવે ફાટક બંધ કરી દેવાથી નારાજ સ્થાનિકોએ વંદે ભારત ટ્રેનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. રેલવે ફાટક બંધ કરવાથી સ્થાનિકો રોષે ભરાયા હતા. જેના કારણે સોમવારે સાંજે સોમનાથથી અમદાવાદ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રોકવાની કોશિશ કરી હતી. આ ઘટનાથી તંત્રમાં હડકંપ મચી ગયો હતો. સ્થાનિકોએ રેલવે ફાટક ફરીથી ખોલવાની માંગ કરી હતી.
શું છે મામલો
જેતપુર ધોરાજી રોડ પર તાજેતરમાં જ 53 કરોડ રૂપિયાના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવાયો છે. જેના કારણે વર્ષો જૂનું રેલવે ફાટક બંધ કરી દેવામાં આવ્યું છે. ફાટક બંધ થવાથી આસપાસના રહેવાસીઓની મુશ્કેલી વધી ગઈ છે.
લોકોએ આ માટે ઘણું લાંબુ ફરવા જવું પડે છે અને તેનાથી સમય અને ઇંધણનો વ્યય થાય છે. આ કારણે લોકો ફરીથી રેલવે ફાટક ખોલવાની માંગ સાથે રેલવે ટ્રેક પર ઉતરી આવ્યા હતા અને વંદે ભારત ટ્રેન પસાર થતાં તેને રોકવાની કોશિશ કરી હતી. કેટલાક લોકો ટ્રેક પર પણ બેસી ગયા હતા.જેથી મામલો ગંભીર બન્યો હતો.
ઘટનાની ગંભીરતાને જોતા રેલવે પ્રશાસને તરત જ વંદે ભારત ટ્રેનને જેતપુર જંકશન પર રોકી દીધી. બીજી તરફ, વિરોધની માહિતી મળતાની સાથે જ રેલવે આરપીએફ , ઉદ્યોગનગર પોલીસ, સિટી પોલીસ અને તાલુકા પોલીસનો એક મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
અધિકારીઓએ સ્થળ પર પહોંચીને વિરોધ કરી રહેલા સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો અને પરિસ્થિતિને થાળે પાડી હતી. પોલીસે ટ્રેક પર બેઠેલા તમામ લોકોને હટાવ્યા અને ટ્રેક સંપૂર્ણપણે ક્લિયર થયા બાદ રોકાયેલી વંદે ભારત ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી.
આ ઘટનાના કારણે ટ્રેનનું સંચાલન થોડા સમય માટે પ્રભાવિત થયું હતું. સ્થાનિકોએ અવર-જવર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અથવા રેલવે ફાટક ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ ઉપરાંત જો તેમની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો ભવિષ્યમાં ફરીથી આંદોલન કરવામાં આવશે તેવી સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચો…બિહારના પૂર્ણિયામાં વંદે ભારત ટ્રેન અકસ્માતમાં ચાર લોકોના મોત



