શ્રાવણનો અંતિમ સોમવાર: સૌરાષ્ટ્રના શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઊઠ્યા

રાજકોટઃ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સૌરાષ્ટ્રભરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ સોમનાથ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. નાગેશ્વર ખાતે પણ શિવભક્તોએ દર્શન કરવા લાઇન લગાવી હતી. સૌરાષ્ટ્રના તમામ નાના-મોટા શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા.
રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલા મહાકાલેશ્વર મહાદેવ મંદિરે મહાદેવને અન્નકૂટ શૃંગાર કરવામાં આવ્યો હતો. આ પહેલાં, ગયા સોમવારે ભારતીય સેનાના જવાનોના પરાક્રમને સમર્પિત ‘શૌર્ય થીમ’ પર શૃંગાર તૈયાર કરવામાં આવ્યો હતો, જે દર્શનાર્થીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
સૌરાષ્ટ્રના તમામ શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સવારથી જ મંદિરોની બહાર લાંબી કતારો જોવા મળી હતી. સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન શિવ ભક્તોએ પૂરા ભક્તિભાવથી ભગવાન શિવની પૂજા કરે છે પરંતુ છેલ્લા સોમવારે, ભક્તો શિવલિંગ પર દૂધ, બિલિપત્ર, ફૂલ અને ગંગાજળનો અભિષેક કરી વિશેષ પૂજા કરી હતી.
રાજ્યના મોટા અને પ્રખ્યાત શિવ મંદિરો જેવા કે સોમનાથ, દ્વારકા અને જામનગરના શિવાલયોને સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. શિવલિંગને વિવિધ શણગાર કરીને મહાદેવને પ્રસન્ન કરવામાં આવ્યા હતા. હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. શિવ મંદિરોમાં અંતિમ સોમવારે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસના છેલ્લા સોમવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ અને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શન પૂજન માટે પહોંચ્યા હતા અને ભોળાનાથના ચરણોમાં શિશ ઝુકાવીને શ્રદ્ધાપૂર્વક દર્શન કરીને સૌના મંગલની તથા રાજ્ય-રાષ્ટ્રની પ્રગતિ અને સુખાકારીની પ્રાર્થના કરી હતી.