રાજકોટ

આખરે ક્ષત્રીય આગેવાન જેલમુક્ત, પી.ટી.જાડેજાનું રાજકોટમાં ભવ્ય સ્વાગત કરાયું…

રાજકોટઃ ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજા સામે થયેલી પાસાનો સરકાર દ્વારા હુકમ રદ કરાતા જેલમુક્ત કરવામાં આવ્યા હતા. 15 જુલાઈ સાંજે પી.ટી. જાડેજા રાજકોટ પહોંચતા નિવાસસ્થાન પર સ્વાગત કરાયું હતું. પી.ટી.જાડેજાએ કહ્યું હતું કે, મેં 18 દિવસથી ભોજન લીધું નથી એટલે મારું સ્વાસ્થ્ય બરોબર નથી. આગામી 2-3 દિવસમાં પ્રેસ કોન્ફરન્સ યોજીશ. પિતાની જેલમુક્તિ થતા પુત્રએ સરકારનો અને સમાજનો આભાર માન્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, 21 એપ્રિલના રોજ રાજકોટના અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતીને લઈને રાજકોટના સાંઇનગર વિસ્તારમાં રહેતા ક્ષત્રિય સમાજના આગેવાન પી. ટી. જાડેજાએ કારખાનેદાર જસ્મિનભાઇને ફોન કરીને ‘આરતી કરતો નહીં, નહીંતર લોહિયાળ ક્રાંતિ થશે,’ કહી ગાળો ભાંડી ધમકી આપી હતી. જે મામલે રાજકોટ પોલીસે 5 જુલાઈના પી. ટી. જાડેજાની પાસા હેઠળ અટકાયત કરી સાબરમતી જેલહવાલે કરી દીધા હતા. ત્યારબાદ ઠેર-ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપી મુખ્યપ્રધાન તેમજ ગૃહ રાજ્યપ્રધાન સમક્ષ પાસા રિવોક કરવાની માગ કરાઈ હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી પાસાના આ હુકમને રાજ્યના ગૃહ વિભાગે રિવોક કર્યો હતો.

પી.ટી.જાડેજા સામે થયેલી પાસા રિવોક થયા બાદ આજે જેલ મુક્તિ થતા તેઓ રાજકોટ પોતાના ઘરે પરત ફર્યા હતા. આ સમયે સમાજના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પી.ટી.જાડેજાની તબિયત નાદુરસ્ત હોવાથી તેમના પુત્રએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button