અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીની માંગ સાથે તેમના સમર્થનમાં રીબડામાં ક્ષત્રિય સમાજનું સંમેલન

ગોંડલ: રાજકોટના રીબડા ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીની સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો પણ જોડાયા હતા. સંમેલનમાં સુરક્ષા વ્યવસ્થાના કારણે રીબડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.
મળતી વિગતો અનુસાર અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં ગોંડલ તાલુકાના રિબડા ગામમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ ગામના મુખ્ય માર્ગો અને સંમેલન સ્થળની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દરમિયાન ગામમાં પ્રવેશ કરનારા દરેક વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
રીબડામાં યોજાયેલા આ સંમેલનમાં આ સંમેલનમાં અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીતસિંહ જાડેજાએ ઉપસ્થિત સૌ સમર્થકોનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, તમે અમારા દુઃખના સમયમાં અમારા આંગણે આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં નયનાબા જાડેજા, ક્ષત્રિય સમાજના આગેવાન પી ટી જાડેજા સહિતના સમર્થકો પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યાના કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજાને હાઇ કોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો મળ્યો હતો અને હાઈકોર્ટનો સજા માફી રદ કરતો ઓર્ડર સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો હતો. તે ઉપરાંત સુપ્રીમ કોર્ટે અનિરૂદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા હુકમ કર્યો છે. અનિરૂદ્ધસિંહે 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવું પડશે.
આ પણ વાંચો…અનિરુદ્ધસિંહ જાડેજાની અરજી સુપ્રીમે ફગાવી, હાઇ કોર્ટનો આદેશ સર્વોચ્ચ અદાલતે યથાવત્ રાખ્યો