કેશોદ એરપોર્ટથી સીધી ઉડાન ભરશે સૌરાષ્ટ્રની સુગંધી ‘કેસર’ કેરી!, નિકાસ માટે બનાવાશે ખાસ કાર્ગો સુવિધા

રાજકોટ: રાજયમાં દિવાળી પર પડેલા કમોસમી વરસાદના કારણે કેરીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. આ વર્ષે કેરીના ભાવ ઊંચા રહી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગુજરાતની પ્રખ્યાત કેસર કેરીની નિકાસને સરળ બનાવવા માટે કેશોદ એરપોર્ટ પર એક કાર્ગો સુવિધા વિકસાવવાનું આયોજન કરી રહ્યું છે. આ સુવિધા, જે એરપોર્ટના વિસ્તરણ પ્રોજેક્ટ 2027માં પૂર્ણ થયા બાદ તૈયાર થશે. જેનાથી સૌરાષ્ટ્રના કેસર કરીના ઉત્પાદકો માટે નિકાસના નવા માર્ગો ખૂલશે અને સ્થાનિક ખેડૂતોને સીધા વૈશ્વિક બજારો સાથે જોડાઈ શકશે.
કેશોદ જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના મુખ્ય કેરી ઉગાડતા જિલ્લાઓથી વ્યૂહાત્મક રીતે નજીક આવેલું છે. કેરીની હરાજીનું મુખ્ય કેન્દ્ર તલાલા એપીએમસી હૉટ વોટર ટ્રિટમેન્ટ, ગ્રેડિંગ અને પેકિંગ જેવી મૂળભૂત નિકાસ સુવિધાઓ પૂરી પાડે છે, પરંતુ યુએસ અને કેનેડામાં વેચાણ માટે ફરજિયાત એવું ગામા ઇરેડિયેશન માત્ર અમદાવાદ નજીક ઉપલબ્ધ છે. જે કેશોદથી આશરે 350 કિમી દૂર છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એકવાર નવું ટર્મિનલ કાર્યરત થયા પછી કેશોદ એરપોર્ટના જૂના ટર્મિનલનો ઉપયોગ કાર્ગો મૂવમેન્ટ માટે કરવામાં આવશે. વેરહાઉસ, કૂલિંગ યુનિટ્સ અને એક્સ-રે સુવિધાઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. આ કાર્ગો સુવિધા સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ગેમ-ચેન્જર સાબિત થશે. તે ગુજરાતમાંથી સીધી નિકાસ સક્ષમ બનાવશે અને મધ્યસ્થીઓને દૂર કરીને ખેડૂતોને વધારે સારા ભાવ મેળવવામાં મદદ કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, એકસપોર્ટ સેટઅપ માટે બે મોડેલોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં ફાઇનલ ડિસ્પેચ માટે કેરીઓને હવાઈ માર્ગે મુંબઈ લઈ જવી અથવા કેરીની સીઝન દરમિયાન કેશોદમાં મોસમી કસ્ટમ્સ ક્લિયરન્સ સુવિધા બનાવવીનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં મળી આશરે 2.80 લાખ મેટ્રિક ટન કેસર કેરીની ખેતી થાય છે. કેસર કરીને જીઆઈ ટેગ હોવા છતાં લોજિસ્ટિકલ અવરોધોને કારણે મોટાભાગનો પાક સ્થાનિક બજારો સુધી મર્યાદીત રહે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતે પાંચ વર્ષમાં 3000 મેટ્રિક ટન કેરીની નિકાસ કરી હતી. તેનાથી વિપરીત, મહારાષ્ટ્ર ડોરસ્ટેપ કનેક્ટિવિટીને કારણે 40000 ટનથી વધુ કેરીની નિકાસ કરે છે. કેરીના નિકાસકારો માટે, લગભગ 800 કિમી દૂર મુંબઈ સુધી પરિવહન કરવાથી ફળો બગડી જવાનો અને નિકાસ માટે અયોગ્ય બની જવાનો ભય રહે છે.
કેશોદ એરપોર્ટ પર ₹ 363 કરોડના ખર્ચે મોટા વિસ્તરણ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે, જેમાં એક સમયે 800 મુસાફરોને હેન્ડલ કરી શકે તેવી નવી ટર્મિનલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ નવા બિલ્ડિંગ માટે હાલની જગ્યાને અડીને આવેલી 205 એકર જમીન હસ્તગત કરી છે. આ પ્રોજેક્ટમાં રન-વેને 1371 મીટરથી વધારીને 2500 મીટર સુધી લંબાવવાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત એક નવો એર ટ્રાફિક કંટ્રોલ ટાવર, ટેકનિકલ બ્લોક અને અન્ય સહાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચોવીસ કલાક ફ્લાઇટ ઓપરેશન્સને સક્ષમ બનાવશે. આ કામ મિડ-2027 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.



