રાજકોટ રેલવે ડિવિઝન આયોજીત રોજગાર મેળામાં 95 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાયા

રાજકોટઃ રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા જગજીવનરામ રેલવે ઇન્સ્ટિટ્યૂટ, કોઠી કમ્પાઉન્ડમાં 16મા રોજગાર મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સવારે 11 કલાકે આ મેળાનો શુભારંભ કર્યો હતો અને 51,000થી વધુ નવનિયુક્ત કર્મચારીને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું, સાથે તેમને સંબોધિત પણ કર્યા હતા.
જેમાં રેલવે વિભાગના 80 ઉમેદવાર તો પોસ્ટલ વિભાગ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, એઈમ્સના 15 મળી કુલ 95 ઉમેદવારોને નિમણુંક પત્રો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી નિમુબેન બાંભણિયા સહિત સ્થાનિક ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.
આપણ વાંચો: અમદાવાદમાં રોજગાર મેળાનું આયોજનઃ 2000થી વધુ યુવાનની થઈ પસંદગી
પ્રાપ્ત વિગત મુજબ ભારતીય રેલવે દ્વારા દેશભરમાં 47 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા પણ જગજીવનરામ રેલવે ઇન્સ્ટિટ્યૂટમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રોજગાર મેળાનું આયોજન ભારતીય રેલવે દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં રેલવે, ગૃહ, ઉચ્ચ શિક્ષણ, પોસ્ટ, વિદ્યુત, શ્રમ સહિત લગભગ 14 મંત્રાલયોમાં નવા પસંદ કરાયેલા કર્મચારીઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.
રાજકોટ ડિવિઝનમાં આયોજિત રોજગાર મેળામાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા તેમજ સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય દર્શીતા શાહ અને રમેશ ટીલાળા સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં યોજાયેલા આ રોજગાર મેળામાં 95 નવા ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમાંથી 80 ઉમેદવારો રેલવે વિભાગના હતા, જ્યારે પોસ્ટલ વિભાગ, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને એઈમ્સના 15 ઉમેદવારો હતા.