જેતપુરમાં સંતાનોની ગજબ કરતૂત: ઘરમાંથી ₹૮.૨૦ લાખના દાગીના ચોરીને પ્રેમીને આપ્યા, પિતાએ નોંધાવી ફરિયાદ

જેતપુર: રાજકોટ જિલ્લાના જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં એક પિતાએ પોતાના જ સગીર પુત્ર અને પુત્રી સહિત ત્રણ લોકો વિરુદ્ધ ઘરમાંથી રૂ. ૮,૨૦,૨૫૦ ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. અંગત પૂછપરછમાં સંતાનોએ કબૂલ્યું કે તેમણે કટકે-કટકે દાગીના ચોરીને તેમના મિત્રને આપી દીધા હતા.
મળતી વિગતો અનુસાર, જેતપુરની અભિષેક સ્કૂલ પાસે રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા વસંતભાઈ ઉર્ફે મુનાભાઈ પ્રભુદાસભાઈ ગોંડલીયા (ઉ.વ. ૪૭) એ ૪ ઓક્ટોબરના રોજ આ ફરિયાદ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ફરિયાદ મુજબ, વસંતભાઈના પિતાની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ મકાનના દસ્તાવેજો શોધવા માટે તેમના પિતાના લોખંડના ટ્રંકની તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન, ટ્રંકમાં રાખેલા રૂ. ૧,૬૦,૨૫૦ ની કિંમતના સોના-ચાંદીના દાગીના જેમાં ત્રણ સોનાની બુટ્ટી, ત્રણ સોનાના ચેઈન, ચાંદીના સિક્કા વગેરે ગાયબ જણાઈ આવ્યા હતા.
ત્યારબાદ, વસંતભાઈએ તેમની પત્ની નીરુપમાને જાણ કરી અને જ્યારે તેઓ વકીલની ઓફિસે ગયા, ત્યારે પત્નીએ ફોન કરીને જાણ કરી કે તેમના પોતાના રૂમના કબાટની તિજોરીમાં રાખેલા રૂ. ૬,૬૦,૦૦૦ ની કિંમતના સોનાના ઘરેણાં પણ ગાયબ છે અને માત્ર ખાલી બોક્સ જ પડ્યા છે. આ ઘરેણાંમાં છ જેન્ટ્સ વીંટી, એક લેડીઝ વીંટી, ચાર પેડલ સેટ, ત્રણ સોનાના ચેઈન, એક લક્કી, બે સોનાની બંગડી અને એક સોનાનો હારનો સમાવેશ થતો હતો.
સંતાનોની ચોંકાવનારી કબૂલાત:
કુલ રૂ. ૮,૨૦,૨૫૦ ના દાગીના ગુમ થતાં વસંતભાઈ અને તેમના પત્નીએ સંતાનોની કડક પૂછપરછ કરી હતી અને આ પૂછપરછમાં તેમના સગીર પુત્ર મંયક (ઉ.વ. ૧૬) અને પુત્રી ઋત્વી (ઉ.વ. ૨૧) એ કબૂલાત કરી હતી કે તેમણે છેલ્લા બે મહિનામાં કટકે-કટકે આ તમામ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને તેમના મિત્ર કેતન ઉર્ફે અજય ધીરુભાઈ ભાવડીયાને આપી દીધા હતા.
આ કબૂલાતથી આઘાત પામેલા પિતા વસંતભાઈએ તેમના પુત્ર મંયક, પુત્રી ઋત્વી અને મિત્ર કેતન ઉર્ફે અજય ભાવડીયા એમ ત્રણેય જણા વિરુદ્ધ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી હતી અને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને કોર્ટે તેમના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ પણ વાંચો…ગરીબ રથ એક્સપ્રેસ ચોરી કેસ: ₹ 1.82 કરોડની ‘લૂંટ’નું રહસ્ય 72 કલાકમાં ઉકેલાયું, જાણો વિગતવાર