રાજકોટમાં વિજય રૂપાણીને યાદ કરી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે શું કહ્યું?

રાજકોટઃ ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. સંબોધન દરમિયાન તેમણે કહ્યું, રાજકોટનો પ્રેમ આજે છલકાયો છે. રાજકોટ એ ગુજરાતનું ગ્રોથ એન્જીન છે. એટલે રાજકોટ માટે ગર્વ થાય. વેપારી હોય ઉદ્યોગપતિ હોય કે ખાણીપીણી ની વાત હોય રાજકોટના વખાણ જરૂર થાય. મને અભિમાન ચોક્કસ છે પણ મારી સામે બેઠેલા કાર્યકર્તા મારી સાથે છે એનો મને અભિમાન છે. મને પદ ખુરશી કરતા કાર્યકર્તા ઉપર અભિમાન છે. વિજયભાઈ રૂપાણીને યાદ કરતા કહ્યું કે, મને અમદાવાદ શહેર પ્રમુખની જવાબદારી આપી હતી તેમને હું આજે વંદન કરું છું.
જગદીશ પંચાલે કહ્યું, ભાજપના પૂર્વ ત્રણ-ત્રણ અધ્યક્ષ અહીંયા ઉપસ્થિત છે, મારા પોકેટમાં કાર્ડ છે તેમાં અધ્યક્ષ તરીકે સહી રૂપાલા સાહેબની છે. સૌરાષ્ટ્રમાં મીઠો આવકાર અને પ્રેમ મળે તેવો આખા દેશમાં ક્યાંય ન મળે. તમને બધાને મળીને મારી છાતી ગદગદ થાય છે.
આ પણ વાંચો: રાજકોટમાં રાજકીય ઘર્ષણઃ જગદીશ પંચાલના રોડ-શો પહેલાં જ વડા પ્રધાનના ફોટા પર શાહી ફેંકવામાં આવી
આ ઉપરાંત તેમણે કહ્યું, ભારતની અંદર કોઈપણ ડેવલોપમેન્ટ હોય એન્જીન બનાવવાનું હોય રાજકોટવાસીઓ બનાવી આપે. રાજકોટની કાર્ય કરવાની કુશળતા અલગ છે. ડિફેન્સની મશીનરી અને એના પાર્ટ્સ રાજકોટમાં બને છે. કાર કોઈ પણ જગ્યાએ બને પરંતુ, તેના પાર્ટ્સ તો રાજકોટમાં જ બને એના પાર્ટ્સ વગર કાર અધૂરી કહેવાય.
રાજકોટના સાંસદ રૂપાલાએ કહ્યું, રાજકોટના સાંસદ તરીકે ખુબ ખુબ શુભકામના પાઠવું છું. જયારે પીએમ સાહેબ વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છો ત્યારે કાર્યકર્તાને સાથે રાખી હજુ પાર્ટીને આગળ વધારો તેવી શુભકામના.