કાયપો છે…! રાજકોટમાં પતંગ મહોત્સવે જમાવી રંગત, સાંસદ રૂપાલાએ પણ કરી પતંગબાજી

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે જુદા જુદા 21 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ પતંગબાજી કરી હતી. ભારતના જુદા જુદા રાજ્યોના પણ 114 જેટલા પતંગ રસીકોએ ભાગ લીધો હોવાનું સામે આવ્યું છે.
કયા દેશોના પતંગબાજોએ લીધો ભાગ
ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કોલમ્બિયા, ડેનમાર્ક, સિંગાપોર, થાઈલેન્ડ, સ્વીડન, યુનાઈટેડ કિંગડમ જેવા 21 દેશોના પ્રતિનિધિઓ તેમજ ભારતના મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ઉડીશા, તામિલનાડુ, સિક્કિમ,પશ્ચિમ બંગાળ જેવા વિવિધ રાજ્યો સહિત 135 થી વધુ પતંગ રસિકોએ ભાગ લીધો હોવાનું સામે આવ્યું છે.
પતંગ મહોત્સવના કારણે રાજકોટનું આકાશ રંગબેરંગી પતંગોથી રંગાઈ ગયું હતું. સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ પતંગ ઉડાડી મોજ માણી હતી. ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરની પણ ઝલક પતંગ મહોત્સવમાં જોવા મળી હતી.
શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ સ્થિત કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થીએટર ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક ફલક પર લઈ જવા વડાપ્રધાન મોદીએ શરૂ કરાવેલી પરંપરાને જાળવી રાખતા આ વર્ષે રાજકોટમાં પતંગ મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ મહોત્સવનો પ્રારંભ સવારે 9:00 કલાકે થયો હતો, જેમાં દેશ-વિદેશના ખ્યાતનામ પતંગવીરો પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે અગાઉ ધર્મેન્દ્રસિંહજી કોલેજ, શાસ્ત્રી મેદાન અને રેસકોર્સ સહિતના 5 જેટલા સ્થળોએ પતંગ મહોત્સવ યોજવા વિચારણા હતી. જેમાં રેસકોર્સ ખાતે વડાપ્રધાનનાં રોડ-શોને લઈ પાર્કિંગ રાખવામાં આવનાર હોવાથી અન્ય સ્થળો અંગે વિચારણા કરવામાં આવતી હતી. દરમિયાન વડાપ્રધાનનો રોડ-શો રદ્દ થતા હાલમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવાનો ફાઇનલ નિર્ણય લેવાયો હતો.
આ પણ વાંચો…ઉત્તરાયણ મોંઘી બનશે, પતંગના ભાવમાં 15 ટકાનો વધારો



