ગરબાનું ચેકિંગ કરવા પહોંચેલા VHP કાર્યકરો પર ભડક્યા ઇન્દ્રનીલ રાજ્યગુરુ; અપશબ્દો પણ બોલ્યા

રાજકોટ: નવરાત્રિના પાવન પર્વમાં ગરબાના આયોજનોની પરંપરા જાળવવા મુદ્દે રાજકોટમાં વિવાદ થયો હતો. શહેરની નીલ સિટી ક્લબમાં પરંપરાગત ગરબાના ગીતોને બદલે બોલિવૂડ અને અંગ્રેજી ગીતો પર ખેલૈયાઓને ગરબે રમાડવામાં આવતા હોવાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદે ગંભીર વાંધો ઉઠાવ્યો છે અને ક્લબ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી હતી.
આ દરમિયાન વિશ્વ હિંદુ પરિષદના આગેવાનો સરપ્રાઇઝ ચેકિંગ કરવા નીલ સિટી પહોંચ્યા હતા અને આ દરમિયાન આયોજક ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વિએચપીના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સરપ્રાઈઝ ચેકિંગ કરવા પહોંચેલા વીએચપીના આગેવાનોને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રોક્યા હતા. અને કહ્યું હતું કે, ‘તમે શું નાટક કરવા આવ્યા છો? શું તમારા પક્ષે નિયમો નક્કી કરવાના? શું હું હિંદુ નથી? તેમણે વીએચપીના કાર્યકર્તાઓને ભાજપના માણસો ગણાવી અપશબ્દો પણ બોલ્યા હતા.
આ દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઉગ્ર થઈ ગયા હતા અને આથી વિએચપીના કાર્યકરો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ લડી લેવાની પણ વાત કરી હતી. વિએચપીના કાર્યકર્તાઓએ હિંદુ હોવ તો સભ્યતાથી વાત કરો, હિંદુ હોવ તો અન્યનું સન્માન કરો જેવી માંગ કરી હતી.
જો સમગ્ર બનાવની વાત કરી તો, રાજકોટ શહેરની નીલ સિટી ક્લબમાં પરંપરાગત ગરબાના ગીતોને બદલે બોલિવૂડ અને અંગ્રેજી ગીતો પર ખેલૈયાઓને ગરબે રમાડવામાં આવતા હોવાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદે ગંભીર વાંધો ઉઠાવ્યો છે અને ક્લબ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદના નેતાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, “ગઈકાલે અમારા ધ્યાને વીડિયો આવ્યો છે, જેમાં નીલ સિટી ક્લબમાં બોલિવૂડના ગીતો વગાડવામાં આવી રહ્યા છે. આવા કૃત્યો નીલ સિટી ક્લબ દ્વારા કરવા જોઈએ નહીં. અમે આ મામલે પોલીસને રજૂઆત કરીશું અને આવા ગરબા આયોજકોની પરમિશન રદ કરવામાં આવે તેવી અમારી માગણી છે.’ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગયા વર્ષે પણ આ જ ક્લબમાં શકીરાના ગીતો વગાડવામાં આવ્યા હતા.
વીએચપીએ આયોજકોને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું છે કે, જો ગરબાની મંજૂરી લીધી હોય તો ફક્ત ગરબા જ રમાડવા, બોલિવૂડ સોન્ગ ન વગાડવા જોઈએ. વીએચપીએ યુવાઓને અવળા માર્ગે દોરવતા આવા કૃત્યો બંધ કરવાની માગ કરી હતી. આ ગંભીર મામલે વિશ્વ હિન્દુ પરિષદે રાજકોટના પોલીસ કમિશનરને સત્તાવાર પત્ર લખીને નીલ સિટી ક્લબ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી હતી.