ગાંધી-સરદારની ભૂમિ ભાજપને પાઠ ભણાવશે, ઈન્દ્રનીલ રાજ્યગુરુનો હુંકાર…

રાજકોટઃ કોંગ્રેસ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. શહેરના આજી નદીના કાંઠા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ના નામે છેલ્લા ઘણા વર્ષોથી ડિમોલેશન માટે નોટિસ આપવામાં આવે છે. ચૂંટણી નજીક આવતા ડિમોલેશન માટે નોટિસ આપતા રાજકારણ ગરમાયું હતું. જેમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું, ગુજરાત ગાંધી અને સરદારને જન્મ આપી શકે છે તે ભાજપે ન ભૂલવું જોઈએ.
બીજું શું બોલ્યા ઈન્દ્રનીલ રાજ્યગુરુ
આ ઉપરાંત ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું, ગુજરાતમાં થોડા સમયથી અદાણી એટલે કે સહુકારોની સરકાર કામ કરતી હોય તેવું લાગે છે. અનેક લોકોને ઘર વિહોણા કરવાનું કરવામાં આવ્યું છે. આજી નદી કિનારે વસતા 50 ટકા હિન્દુ અને 50 ટકા મુસ્લિમોને મકાન દૂર કરવાની નોટિસ અપાઈ છે. દસ્તાવેજ વાળા મકાન પર PPP યોજનાના નામે સરકારે પડાવી લીધા છે. ગરીબ માણસ વગર શહેરનો વિકાસ શક્ય નથી હોતો.
બે ટંકનું ખાવાનું જેના પર આધારિત છે તે પણ છીનવતા ભાજપને શરમ આવતી નથી. ગુજરાત ગાંધી અને સરદાર ને જન્મ આપી શકે છે તે ભાજપે ન ભૂલવું જોઈએ.
આ ઉપરાંત તેમણે કહ્યું, સિસ્ટમ ઊભી કરવાનો ભાગ રહેલા વિજય રૂપાણીને પણ કેટલી તકલીફ પડી હતી તે યાદ રાખવાની જરૂર છે. સામાન્ય માણસ શાંતિથી રહી શકે તે વિકાસ છે, નહિ કે વેચાણ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવે તે વિકાસ. શુક્રવારના રોજ બપોરે 2 વાગ્યે મહારેલી યોજાશે. કલેકટર અને પોલીસ કમિશનર મળીને આ મુદ્દે રજૂઆત કરાશે.
થોડા મહિના પહેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ગુંડાગીરી ખુદ ભાજપ કરી રહી છે. ભાજપને મત નથી લાવી દેતા, હપ્તા નથી આપતા, ભાજપ સરકાર કહે તે નથી કરી રહ્યા તેવા લોકો સામે કાર્યવાહી કરી સરકાર દેખાડો કરી રહી છે. ભાજપ પોલીસનો દૂર ઉપયોગ કરી એના દ્વારા ભ્રષ્ટાચાર પણ કરે અને ગુંડાઓને માપમાં રાખવાનું કામ કરાવે. પોલીસને છુટ્ટો હાથ દે તો કોઈની હિંમત નથી કે ગુડાંગીરી કરે. રાજ્ય સરકાર એમનો ઈરાદો જાહેર કરે કે ગુંડાગીરી ન થવી જોઈએ તો પણ બંધ થઇ જાય.
ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2022માં ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને નવેમ્બર 2022માં ફરી કોંગ્રેસમાં સામેલ થયા હતા. ઇન્દ્રનીલ કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓની હાજરીમાં કોંગ્રેસમાં પરત ફર્યા હતા.આમ આદમી પાર્ટી છોડ્યા પછી કે ઇન્દ્રનીલ રાજયગુરુએ જણાવ્યું કે મારા પિતાના સમયથી અમે કોંગ્રેસમાં જોડાયેલા છીએ અને મારા પરિવારજનો પણ મારા કોંગ્રેસ છોડવાના નિર્ણયથી સહમત ન હતા. આપને અવસરવાદી અને ભાજપની બી ટીમ ગણાવતા ઈન્દ્રનીલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પાર્ટીમાં કોઈનું સાંભળવામાં આવતું નથી. જેમ ભાજપ લોકોને મૂર્ખ બનાવે છે તેમ AAP પણ મૂર્ખ બનાવે છે અને ભાજપની બી ટીમ તરીકે જેમ કામ કરતા હોય તેવું આપમાં લાગ્યું હતું.



