રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે યુવતીની સગાઈ તોડાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી

રાજકોટ: શહેરમાં એક ચોંકાવાનરો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક યુવતીના ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે તેની સગાઈ તોડાવી નાખી, હેરાન કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગેની ફરિયાદ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
મળતી વિગતો અનુસાર, રાજકોટના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની વિગતો અનુસાર આજથી સાતેક મહિના પૂર્વે યુવતી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ધોરાજીના રહેવાસી ગૌરવ રાજેશ રીજવાણીના સંપર્કમાં આવ્યા હતા અને બાદમાં બંને વચ્ચે મિત્રતા થઇ હતી. બંને અવારનવાર મળ્યા પણ હતા અને યુવકે લગ્ન કરવાનું કહેતા યુવતીએ પરિવારની સહમતી બાદ લગ્ન માટેની તૈયારી દર્શાવી હતી.
જો કે ત્યારબાદ યુવતીને ગૌરવને ખરાબ આદતો હોવાની જાણ થઈ હતી અને આથી યુવતીએ વાતચીત કરવાનું ઓછુ કરી નાખ્યું હતું. બાદમાં યુવક ગૌરવ યુવતી પર વાત કરવા માટે વધુ દબાણ કરતો હોવાથી યુવતીએ તેનો મોબાઇલ નંબર બ્લોક કરી નાખ્યો હતો. પરિણામે ગૌરવે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફત તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં બધી જગ્યાએ તેને બ્લોક કરી નાખ્યો હતો.
જો કે તેમ છતા યુવક અટક્યો નહિ અને તેના મિત્રોના મોબાઈલમાંથી કોલ કરીને યુવતીને હેરાન કરતો હતો. બ મહિના પહેલા યુવતીની સગાઈ થઈ હોવાની જાણ યુવકને થઈ હતી. આથી તેણે યુવતીને કોલ કરી કહ્યું હતું કે, “તે કેમ મને પૂછ્યા વગર સગાઇ કરી લીધી, હું તારી સગાઇ ક્યાંય થવા નહીં દઉં.” જો કે યુવકે બાદમાં યુવતીના મંગેતરને બંનેના ફોટા મોકલી કહ્યું કે તે તેની સાથે સંબંધ ધરાવે છે અને બંને લગ્ન કરવાના છે.” ગૌરવે યુવતીને કોલ કરીને જો કોઇ જગ્યાએ સગાઇ કરી છે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જો કે અંતે તેની આખરે તેની સગાઇ તૂટી ગઇ હતી.
આપણ વાંચો: આ કારણે દોઢ વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નવી લાઇબ્રેરીનું લોકાર્પણ અટક્યું